મોરબી : મોરબી જિલ્લામાં કટોકટીના સમયે મદદરૂપ થતી 181 અભયમ
મહિલા હેલ્પલાઇન અને 112 જનરક્ષક (ERSS) ની ટીમે સંયુક્ત રીતે કામગીરી કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોરબીમાં એક જાગૃત નાગરિકે હેલ્પલાઇન પર કોલ કરી જાણ કરી હતી કે, એક વયોવૃદ્ધ માજી ઘણા સમયથી એકલા આંટાફેરા કરી રહ્યા છે અને પોતાનું ઘર ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે.
આ માહિતી મળતા જ 181 અભયમ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે માજીને આશ્વાસન આપીને પૂછપરછ કરી હતી, પરંતુ વધુ ઉંમર હોવાને કારણે તેઓ પોતાના સરનામા અંગે કોઈ સ્પષ્ટ વિગત આપી શક્યા ન હતા. આથી અભયમ ટીમે તાત્કાલિક 112 જનરક્ષક ટીમનો સંપર્ક કર્યો હતો. બંને ટીમોએ સંયુક્ત રીતે ટેકનિકલ માધ્યમો અને સ્થાનિક સ્તરે સઘન શોધખોળ હાથ ધરીને માજીના પરિવારને શોધી કાઢ્યો હતો.
તપાસમાં સામે આવ્યું હતું કે, આ પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે અને રોજગારી અર્થે મોરબીની કંપનીમાં મજૂરી કામ કરે છે. પરિવારના સભ્યો કામે ગયા હતા ત્યારે માજી અલ્ઝાઈમર (ભૂલી જવાની બીમારી) ના કારણે અચાનક ઘરેથી નીકળી ગયા હતા. પરિવારે પણ તેમની ઘણી શોધખોળ કરી હતી પરંતુ ભાળ મળી ન હતી. બંને ટીમોએ વૃદ્ધાને સહી- સલામત પરિવારને સોંપીને ભવિષ્યમાં તેમની વિશેષ કાળજી રાખવા માર્ગદર્શન આપ્યું હતું. માતા હેમખેમ પરત મળતા ભાવુક બનેલા શ્રમિક પરિવારે બંને ટીમનો આભાર માન્યો હતો.










