માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકાના નાનાદહીંસરા ગામે આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ મોરબી એલસીબી પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરી કરનાર ઇસમને ચોરીમાં ગયેલા છતર તથા રોકડ રકમ સહિત કુલ રૂપિયા 87,000 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે.
ગત તારીખ 28/05/2026 ના રોજ નાનાદહીંસરા ગામે મહાકાળી માતાજીના મંદિરમાંથી કોઈ અજાણ્યા શખ્સે દિવસના સમયે પ્રવેશ કરી 400 ગ્રામ વજનના અને રૂપિયા 40,000 ની કિંમતના 13 જેટલા નાના- મોટા ચાંદીના છતરની ચોરી કરી હતી. આ અંગે માળિયા (મિયાણા) પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. ગોહિલના માર્ગદર્શન હેઠળ ટીમો તપાસમાં હતી ત્યારે ટેકનિકલ માધ્યમથી તેમજ હ્યુમન સોર્સીસથી બાતમી મળી હતી કે એક કાળા કલરનું હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ (GJ 36 AQ 4125) લઈને એક શખ્સ માળિયા તરફથી આવી રવિરાજ ચોકડી ઓવરબ્રિજ પાસેથી મોરબી બાયપાસ રોડ ઉપર નીકળનાર છે અને તેણે જ આ ચોરીને અંજામ આપ્યો છે. બાતમીના આધારે હકીકતવાળા સ્થળ પર પોલીસે વોચ ગોઠવીને કિશન સુરેશભાઈ જાની (ઉંમર 26, રહે. મોરબી, રવાપર ગામ, બોની પાર્ક શેરી નં-7) ને પકડી પાડ્યો હતો.
પોલીસે તેની પાસેથી 5 સફેદ ધાતુના અલગ-અલગ ડિઝાઇન વાળા છતર (કિંમત 10,000), રોકડા રૂપિયા 32,000, એક પ્લાસ્ટીકના હાથા વાળી કાતર, હીરો સ્પ્લેન્ડર બાઈક (કિંમત 40,000), એક વિવો કંપનીનો મોબાઈલ ફોન (કિંમત 5,000) અને એક બેગ મળી કુલ રૂપિયા 87,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પૂછપરછમાં આરોપીએ કબૂલાત આપી હતી કે પોતે આર્થિક સંકડામણમાં આવી ગયેલ હોય અને દેવું વધી જ્તા અલગ અલગ ગામડા કે શહેરમાં મોટરસાયકલ લઈને રેકી કરી માણસોની અવર-જવર ન હોય તેવા અવાવરું મંદિરમાં ચોરી કરવાની ટેવ વાળો છે.
આ ઉપરાંત આરોપીએ અગાઉ કરેલી અન્ય ચાર ચોરીની પણ કબૂલાત આપી છે. જેમાં તારીખ 28/05/2026 ના સવારના સમયે લુંટાવદર ગામે મોમાઈ માતાના મંદિરમાંથી એક ચાંદી તથા એક સોનાના છતરની ચોરી કરી હતી. આશરે બે મહિના પહેલા રાત્રીના સમયે હળવદમાં બસ સ્ટેશન પાસે આવેલ મેલડી માતાજીના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી કરી હતી. દશેક દિવસ પછી રાત્રીના સમયે હળવદમાં લક્ષ્મીનારાયણ ચોકમાં આવેલ મામાદેવ મંદિરમાંથી ચાંદીના 10 થી 11 જેટલા છતરની ચોરી કરી હતી. વીસેક દિવસ પછી દિવસના સમયે ઘુંટુ ગામથી માંડલ ગામ વચ્ચે આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાંથી ચાંદીના તથા સોનાના છતરની ચોરી કરી હતી.
મોરબી પોલીસ દ્વારા પ્રજાજોગ સંદેશ આપવામાં આવ્યો છે કે ધાર્મિક સ્થળોમાં દેવી-દેવતાઓને સોના-ચાંદીના દાગીનાઓ ચડાવવામાં આવે છે તેમજ દાન પેટી રાખવામાં આવે છે, જેથી આવા સ્થળે યોગ્ય સિક્યુરીટીની વ્યવસ્થા રાખવી તેમજ મંદિરની સુરક્ષા માટે સી.સી.ટી.વી. કેમેરા રાખવા. રાત્રીના સમયે આ દાગીના તથા દાન પેટીમાં રહેલ રૂપિયા મંદિરમાં નહિ રાખવા અપીલ કરાઈ છે જેથી આવા પ્રકારની મંદિર ચોરીના બનાવો બનતા અટકાવી શકાય.











