ટંકારા : ટંકારા નગરપાલિકાની પ્રથમ બોડી (શાસક મંડળ) દ્વારા વિસ્તારમાં વિકાસનો મજબૂત પાયો નાખતા જનસુવિધાના કાર્યોનો વિધિવત આરંભ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ટંકારાના ઝમઝમનગર વિસ્તારમાં સીસી રોડ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત યોજાયું હતું.
આ પ્રસંગે વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ તકે ધારાસભ્યએ ટંકારાના સર્વાંગી વિકાસ માટે નગરપાલિકાના પ્રયાસોને બિરદાવ્યા હતા અને સ્થાનિક લોકોને પ્રાથમિક સુવિધાઓ ઝડપથી પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં ટંકારા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી સહિતના પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ટંકારા તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યો અને વિસ્તારના વરિષ્ઠ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નગરપાલિકાના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ખાતમુહૂર્ત સાથે જ નગરમાં જનસુવિધાના કાર્યોની નવી શરૂઆત થઈ ચૂકી છે અને આગામી સમયમાં અન્ય વિકાસલક્ષી કામોને પણ વેગ આપવામાં આવશે. કાર્યક્રમના અંતે સ્થાનિક રહીશોએ ધારાસભ્ય અને નગરપાલિકાની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.












