Monday, June 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપાંડાતીરથ પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક સત્રનો ભવ્ય પ્રારંભ

પાંડાતીરથ પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક સત્રનો ભવ્ય પ્રારંભ

કુમકુમ તિલક, પુષ્પહાર અને ઉમંગભેર વિદ્યાર્થીઓ-શિક્ષકોનું સ્વાગત

સરપંચ, ગ્રામજનો, SMC અને શાળા પરિવારે મળીને કર્યું શ્રમદાન અને સ્વચ્છતા અભિયાન

શિક્ષણ અને સંસ્કારના સમન્વય સાથે સમગ્ર પંથક માટે પ્રેરણારૂપ કાર્યક્રમ યોજાયો

હળવદ, તા. — હળવદ તાલુકાની સંસ્કારધામ સમાન શ્રી પાંડાતીરથ પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ અત્યંત ઉત્સાહ, ઉમંગ અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવ્યો હતો. શિક્ષણ અને સંસ્કારના સુંદર સમન્વય સાથે યોજાયેલા કાર્યક્રમમાં ગામ અને શાળાના સુમેળનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું.

શાળાના નિર્ધારિત સમય પહેલાં જ પાંડાતીરથ ગ્રામ પંચાયતના સરપંચ ગુલાબસિંહ અસવાર, ગ્રામજનો તથા શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના પદાધિકારીઓ શાળાના મુખ્ય દ્વારે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક વિભાગના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને પુષ્પહારથી આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા શૈક્ષણિક વર્ષમાં શ્રેષ્ઠ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”ના સૂત્રને સાકાર કરતાં સરપંચ ગુલાબસિંહ અસવાર, ગ્રામ પંચાયતના સભ્યો, SMCના હોદ્દેદારો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સંયુક્ત રીતે શાળા પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે જ સમૂહ શ્રમદાન દ્વારા સમાજને જવાબદાર નાગરિક બનવાનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો.

પ્રસંગે ગ્રામ પંચાયત અને SMCના પ્રતિનિધિઓએ શાળાના શૈક્ષણિક સ્તરને વધુ મજબૂત બનાવવા તેમજ ગામના દરેક બાળક સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોંચાડવા માટે સતત સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

શાળા પરિવારે ગ્રામજનોના ઉત્સાહભર્યા સહયોગ અને સરપંચશ્રીની શિક્ષણ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી હતી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય કરશનભાઈ ડોડીયાએ આ અનોખી પહેલને બિરદાવી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

પાંડાતીરથ પ્રાથમિક શાળામાં યોજાયેલો આ પ્રેરણાદાયી સત્રારંભ શિક્ષણ, સંસ્કાર અને સામાજિક જવાબદારીના ઉત્તમ સમન્વયનું જીવંત ઉદાહરણ બની સમગ્ર પંથક માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થયો હતો.

મયુર રાવલ હળવદ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments