(અહેવાલ: જયેશ બોખાણી મોરબી): ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના સાંગોદરા ગામના વતની આકાશ અરવિંદભાઈ ચાવડાને ગુજરાત કેડરમાં ભારતીય પોલીસ સેવા (IPS) માટે પસંદગી મળતાં સમગ્ર જિલ્લામાં ગૌરવ અને ખુશીની લાગણી વ્યાપી છે. અનેક પડકારો, આર્થિક સંજોગો અને સતત મહેનત વચ્ચે તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે.

આકાશ ચાવડાએ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. કોલેજકાળ દરમિયાન તેમને UPSC સિવિલ સર્વિસ અંગે જાણકારી મળતાં તેમણે વહીવટી સેવામાં જવાનો નિર્ધાર કર્યો હતો. વર્ષ 2019માં તેમણે પ્રથમ વખત UPSC પરીક્ષા આપી હતી. પ્રિલિમ્સમાં સફળતા મળવા છતાં મેઈન્સમાં તેઓ સફળ થઈ શક્યા નહોતા. ત્યારબાદ GPSC સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ અનેક વખત નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. જોકે સતત મળતી નિષ્ફળતાઓ વચ્ચે પણ તેમણે હિંમત હારી નહોતી. વર્ષ 2022માં તેમણે કેન્દ્ર સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને જામનગર ખાતે સ્ટેટ ટેક્સ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ સંભાળી હતી. ત્યારબાદ GPSC પરીક્ષામાં 35મો રેન્ક મેળવી આસિસ્ટન્ટ કમિશનર તરીકે પણ પસંદગી પામી પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો.

ફરજ દરમિયાન પણ તેમણે UPSC માટેની તૈયારી ચાલુ રાખી હતી. વર્ષ 2023ની UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં તેમણે ઓલ ઈન્ડિયા 1007મો રેન્ક મેળવી પ્રથમ વખત UPSC ક્રેક કરી હતી અને ઇન્ડિયન રેલવે મેનેજમેન્ટ સર્વિસ (IRMS) માટે પસંદગી મેળવી હતી. જોકે તેઓ અહીં અટક્યા નહીં અને વધુ ઊંચું લક્ષ્ય પ્રાપ્ત કરવા તૈયારી ચાલુ રાખી હતી. તેમની મહેનતનું ફળ વર્ષ 2024ની UPSC પરીક્ષામાં મળ્યું, જેમાં તેમણે ઓલ ઈન્ડિયા 777મો રેન્ક પ્રાપ્ત કરીને IPS માટે પસંદગી મેળવી હતી.

આકાશ ચાવડાના જીવનપ્રવાસમાં પરિવારના સહયોગનું વિશેષ યોગદાન રહ્યું છે. માત્ર 4 વર્ષની ઉંમરે માતાનું અને 13 વર્ષની ઉંમરે પિતાનું અવસાન થયા બાદ તેમના મોટાબાપાના દીકરા પ્રફુલભાઈ હીરાભાઈ ચાવડા અને તેમના પત્ની અસ્મિતાબેને તેમને પોતાના સંતાનની જેમ ઉછેરી તમામ જવાબદારીઓ નિભાવી હતી. કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પ્રફુલભાઈએ શિક્ષણ અને સંસ્કારોમાં ક્યારેય કોઈ કમી આવવા દીધી નહોતી. પરિવારના પ્રેમ, માર્ગદર્શન અને પ્રોત્સાહનના બળે આકાશ સતત આગળ વધતા રહ્યા હતા. આકાશ ચાવડાએ પોતાની સફળતાનો શ્રેય સ્વર્ગસ્થ માતા-પિતાની પ્રેરણા, પાલક માતા-પિતાના ત્યાગ અને પરિવારજનોના સતત સહયોગને આપ્યો છે. નોંધનીય છે કે, તેમણે જીવનમાં મળેલા પડકારો વચ્ચે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, GPSC મારફતે આસિસ્ટન્ટ કમિશનર, UPSC દ્વારા IRMS અને હવે IPS જેવી ચાર મહત્વપૂર્ણ સફળતાઓ પ્રાપ્ત કરી છે. સાંગોદરા ગામના યુવાને સંઘર્ષ, ધૈર્ય અને સતત પ્રયાસોના બળે હાંસલ કરેલી આ સિદ્ધિ આજે હજારો યુવાનો માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ બની છે. ગુજરાત કેડરમાં IPS તરીકે તેમની પસંદગીથી ગીર સોમનાથ જિલ્લાનું નામ રાજ્યભરમાં ગૌરવવંતું બન્યું છે.











