૨,૭૦૦ લિટર આથો અને ૫૦ લિટર દેશી દારૂ ઝડપાયો, ₹૭૭,૫૦૦નો મુદ્દામાલ કબજે
હળવદ તાલુકાના ખેતરડી ગામે ચાલતી દેશી દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે હળવદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. હળવદ તાલુકાના ખેતરડી ગામની સીમમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર પોલીસ દ્વારા દરોડો પાડી મોટા પ્રમાણમાં દારૂ બનાવવાનો આથો અને તૈયાર દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ, પોલીસ અધિક્ષક મોરબી તથા નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગના માર્ગદર્શન હેઠળ અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા ચાલી રહેલા અભિયાન અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસની સૂચના મુજબ પોલીસ સ્ટાફે બાતમીના આધારે ખેતરડી ગામની સીમમાં રેઇડ કરી હતી. દરોડા દરમિયાન પોલીસને દેશી દારૂ બનાવવાનો ૨,૭૦૦ લિટર આથો તથા ૫૦ લિટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ ₹૭૭,૫૦૦નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ મામલે હર્ષદ મૈયાભાઈ દેકાવાડીયા (રહે. ખેતરડી, તા. હળવદ) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉપરાંત તપાસ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી બહાર આવશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે. પોલીસના આ દરોડાથી ખેતરડી અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદે દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. દારૂબંધીના કાયદાનો ભંગ કરનારાઓ સામે હળવદ પોલીસનું આ અભિયાન આગામી દિવસોમાં વધુ તેજ બનશે તેવી ચર્ચા ચાલી રહી છે.











