કાર અને લારી વચ્ચે દબાઈ જતા 40 વર્ષીય લાભુબેનનું મૃત્યુ, 4 સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી, ચાલક કાર મૂકીને ફરાર
મોરબી : મોરબીમાં આજે વહેલી સવારે નગર દરવાજા ચોક પાસે શાક માર્કેટની પાછળના ભાગમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સામા કાંઠા વિસ્તારમાં માળિયા ફાટક ચોકડી નજીક આવેલ ઇન્દિરાનગરમાં રહેતા લાભુબેન કાંતિભાઈ બારૈયા (ઉ.વ. 40) નામના મહિલા વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં શાક બકાલુ લેવા માટે આવ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતી ઇકો ગાડી (નંબર GJ 36 HL 1036) ના ચાલકે તેઓને અડફેટે લીધા હતા.
આ અકસ્માતમાં કાર અને લારી વચ્ચે દબાઈ જવાના કારણે લાભુબેનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને કાર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ છોડીને નાસી છૂટ્યો હતો. મૃતક મહિલા શાક બકાલુ વેચીને પોતાના 4 સંતાનો અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના કે.કે. ટુકડીયાએ વધુ તપાસ હાથ ધરી છે.











