ગામના દિવ્યાંગ યુવાનના હસ્તે રીબીન કપાઈ : પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દિવંગત પુત્રની યાદમાં વતન ચમનપર ખાતે ભવ્ય ગેટનું નિર્માણ કરાયું
મોરબી : ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને મોરબી-માળીયા (મી) ના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાના યુવાન પુત્ર ડૉ. પ્રશાંત મેરજાનું 23 વર્ષની નાની વયે કાર અકસ્માતમાં અવસાન થયું હતું. તેમની પવિત્ર સ્મૃતિ કાયમ જળવાઈ રહે તે માટે તેમના લઘુબંધુ સન્ની બ્રિજેશ મેરજા અને મેરજા પરિવાર દ્વારા સતત માનવતાના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં રક્તદાન કેમ્પ, વિવિધ નિષ્ણાંત ડૉક્ટરોના મેડિકલ કેમ્પ, મંદબુદ્ધિના બાળકો તેમજ વૃદ્ધાશ્રમોમાં જરૂરી સહાય અને ક્રિકેટ તેમજ બેડમિન્ટન જેવી રમતગમત ટુર્નામેન્ટોનો સમાવેશ થાય છે.
ગામના જ દિવ્યાંગ યુવાનના હસ્ત લોકાર્પણ
આ સેવાકીય કાર્યોની કડીમાં એક વધુ સીમાચિન્હરૂપ કાર્ય ઉમેરતા, મેરજા પરિવારના વતન માળીયા (મી) તાલુકાના ચમનપર ગામે ગામના જાજરમાન પ્રવેશદ્વારનું નિર્માણ ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં કરવામાં આવ્યું છે. આ ‘ડૉ. પ્રશાંત બ્રિજેશ મેરજા પ્રવેશદ્વાર’ નો લોકાર્પણ કાર્યક્રમ કોઈ પણ પ્રકારના ભપકા વગર તદ્દન સાદગીપૂર્ણ રીતે યોજાયો હતો. આ પ્રસંગે એક પ્રેરણાદાયી પગલું ભરીને ગામના જ એક ડિસેબલ (મંદબુદ્ધિ) યુવાન અને ગામના સપૂત હકો (નરેન્દ્ર) ના હસ્તે આ ગેટનું લોકાર્પણ કરાવીને સમાજને નવો રાહ ચીંધવામાં આવ્યો છે.
ડૉ. પ્રશાંત મેરજાનો ચમનપર ગામ સાથે હતો આત્મીય લગાવ
અત્રે ઉલ્લેખનીય છે કે, ડૉ. પ્રશાંત બાળપણમાં તેમના પિતૃભૂમિ ગામ ચમનપર ખાતે અભ્યાસના વેકેશન દરમિયાન તેમજ પ્રસંગોપાત આવતા રહેતા અને ગામ સાથે ખૂબ જ આત્મીય લગાવ ધરાવતા હતા. ચમનપરના ગોંદરે તેમના બાળપણની યાદોને ગામના આ પ્રવેશદ્વાર સાથે જોડીને મેરજા પરિવારે અને ગ્રામજનોએ ડૉ. પ્રશાંત મેરજાનું એક આગવું અને યાદગાર સંભારણું ઊભું કર્યું છે. આ સાદગીભર્યાં લોકાર્પણ પ્રસંગે સ્થાનિક ગ્રામજનો, સરપંચ અને મેરજા પરિવારના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.












