મોરબી: આગામી ચોમાસાની ઋતુ દરમિયાન સંભવિત ભારે વરસાદ કે આપત્તિની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જાનમાલનું નુકસાન અટકાવવાના સુદ્રઢ આયોજનના ભાગરૂપે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા પ્રિ-મોન્સૂન બેઠક’ યોજાઈ હતી.
બેઠકના મુખ્ય મુદ્દાઓ અને કલેક્ટરની સૂચનાઓ:
સંભવિત આપત્તિ સામે જાનમાલનું નુકસાન અટકાવવા ‘ઝીરો કેઝ્યુઅલ્ટી’ના લક્ષ્યાંક સાથે કામ કરવા વહીવટી તંત્રને આદેશ અપાયો.
તમામ ડેમની ભયસૂચક સપાટીની સમીક્ષા કરાઈ અને ડેમમાંથી પાણી છોડતા પહેલાં સ્થાનિકોને સમયસર એલર્ટ કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
માળિયા પાસે મચ્છુ નદીના પાણીના નિકાલ માટે રેલ્વે નાળાની કામગીરીની સમીક્ષા કરાઈ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા ન સર્જાય તે માટે નગરપાલિકાઓને ડી-વોટરિંગ પંપ તૈયાર રાખવા જણાવાયું.
સફાઈ અને રસ્તાઓની ચકાસણી: નદી-નાળાની સફાઈ કરાવવા, હાઈવેની બંને બાજુ ડ્રેનેજ ક્લીન કરવા તેમજ રસ્તા અને બ્રિજની ચકાસણી કરી સાઈન બોર્ડ લગાવવા તાકીદ કરવામાં આવી.
સ્થળાંતર અને એલર્ટ: ભયજનક-જર્જરિત ઇમારતો હટાવી ત્યાં વસતા લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાવવા સૂચના આપી.
હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ: ફિલ્ડ સ્ટાફ અને અધિકારીઓએ પૂર્વ મંજૂરી વિના હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે. સાથોસાથ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ‘Sachet’ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા જણાવાયું છે.
બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ
આ પ્રિ-મોન્સૂન સમીક્ષા બેઠકમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, NDRF ટીમની પ્રમુખ ઉપસ્થિતિ સહિત આપત્તિ વ્યવસ્થાપન સમિતિના સભ્યો અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.











