હવે પછી રાજ્યભરના ખેડૂતોને બોલાવી આંદોલન પાર્ટ-3ની વ્યૂહરચના ઘડવાનું ખેડુત સમિતિનું એલાન
મોરબી : મોરબીના જેતપર ગામે વીજલાઈનના વળતર મુદે ખેડુતો દ્વારા શરૂ કરવામાં આવેલ આમરણાંત ઉપવાસ આંદોલન અંતે આવતીકાલે પૂર્ણ જાહેર કરવામાં આવશે. આ માટે કાલે સોમવારે પારણા કાર્યક્રમ પણ યોજાનાર છે. હવે રાજ્યભરના ખેડૂતોને બોલાવી આંદોલન પાર્ટ-3 માટે વ્યૂહરચના ઘડવાનું પણ એલાન આપવામાં આવ્યુ છે.
જેતપર ગામે વીજલાઈનના વળતર મુદે તા.18 જૂનથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આ આંદોલનના 19માં દિવસે આવતીકાલે સોમવારે હવે ઉપવાસ પૂર્ણ કરવામાં આવશે. મોડી રાત્રે ઉપવાસી નેહુલ અમૃતિયાની તબિયત લથડયા બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ખેડૂત આગેવાન વૈભવભાઈ અમૃતિયાએ જાહેર કર્યા મુજબ ખેડૂત હિત, જમીન અને અધિકારોની લડાઈને વધુ મજબૂત બનાવવા માટે યોજાયેલ ઉપવાસ આંદોલનમાં મળેલા અમૂલ્ય સહકાર બાદ, હવે જેતપર ખાતે ઉપવાસના પારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા.6 જુલાઈને 9:30 કલાકે યોજાનાર છે. આ પારણા કાર્યક્રમમાં એક મોટી જાહેરાત પણ થવા જઈ રહી છે. ખેડૂતોના હિત અને તેમના ભવિષ્ય માટે પારણાં કરી જલ્દી ‘પાર્ટ-3’ ની રજૂઆત બધા સમક્ષ કરવામાં આવશે. આ પાર્ટ-3 અંતર્ગત ગુજરાતના ખેડૂતોને એકઠા કરીને ભવિષ્યની નવી વ્યૂહરચનાની જાહેરાત કરવામાં આવશે










