કાળા અને સફેદ રંગનું મિશ્રણ ધરાવતૂં શરીર અને પાંખોમાં સફેદ ધાબા ,લાંબી કાળી પૂંછડીનો છેડો સફેદ ,માથે કલગી જેવા વાળ એ ચાતક પક્ષીની ઓળખ.લાંબી પાંખને કારણે નાનાં બાંધાનું આ પંખી સરેરાશ 12″ જેટલી લંબાઈ ધરાવે છે.
સામાન્ય રીતે ગુજરાતમાં વર્ષાઋતુ પ્રારંભે આફ્રિકા અને ભારતનાં અન્ય ભાગમાંથી આવી ચડતુ આ પક્ષી છેલ્લા થોડા વર્ષોથી ભાગ્યે જ જોવા મળે છે.
ચાતક પક્ષીની કેટલીક ખાસિયતો છે જેમ કે એ એક માત્ર એવુ પક્ષી છે કે જે ફક્ત આકાશમાંથી પડતા વરસાદના ટીપા જ સીધા ઊંચી ચાંચ કરીને જીલીને પીવે છે, આ પક્ષી ક્યારેય નદી તળાવ કે અન્ય કોઈ પણ જગ્યાએ પાણી પીતું જ નથી.
એ જ રીતે એ પોતાના બચ્ચાને પોષવા ઉછેરવા માટે માળો બનાવતું નથી, એના માટે એ લેલા, દરજીડા કે ફૂત્કી પક્ષીઓના માળા પસંદ કરે છે. બચ્ચાનાં ઉછેર માટે બીજા ઉપર આધાર રાખતા આ પ્રકારના પંખીઓને ‘પરભ્રુત’ કક્ષાનાં પંખી ક્હેવાય છે
પોતાની તરસ છીપાવવા ચોમાસાનાં પ્રથમ વરસાદની આતુરતાપૂર્વક રાહ જુએ અને માત્ર આ વરસાદી પાણી જ પીવે છે એના ઉપરથી આપણે ત્યાં જેને મળવાની રાહ હોય તેના માટે કહેવત પણ છે ‘ચાતક નજરે (ડોળે) રાહ જોવી ‘.
કોકિલ કુલનું આ પંખી ‘પિહુ પિહુ’ એવો અવાજ કરતું હોય એ ‘પપીહા’ નામે તો આપણે ત્યાં ગુજરાતમાં ‘મોતીડો’ એવા નામે પણ ઓળખાય છે.
તસ્વીરમાં જોઈ શકાય છે તેમ તાજેતરમા આ પક્ષી મોરબીમાં સામા કાંઠા વિસ્તારમાં એલ ઈ કોલેજ પાસે અજ્ઞેશ્વર મંદિર પાસે પર્યાવરણ મિત્ર જીતુભાઇ ઠક્કરને જોવા મળ્યું હતું.










