ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે મોરબી જિલ્લા ભાજપ પ્રભારી શ્રી ગજેન્દ્રભાઈ સક્સેનાએ મોરબી જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થાનો અને મંદિરોની મુલાકાત લઈને પૂજન-અર્ચન કર્યું હતું તથા વિવિધ મઠો અને આશ્રમોના મહંત શ્રીઓ તેમજ સંતોના ભાવપૂર્વક આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ પવિત્ર દિવસે શ્રી ગજેન્દ્રભાઈ સક્સેનાએ વાવડી સ્થિત કબીર આશ્રમ ખાતે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ ઉપરાંત તેમણે સ્વામિનારાયણ મંદિર તેમજ લજાઈ ખાતે આવેલ પ્રખ્યાત જોગ આશ્રમ ખાતે ઉપસ્થિત રહી સંતો-મહંતોનું પૂજન કરી ધન્યતા અનુભવી હતી.
આ ધાર્મિક પ્રસંગે તેમની સાથે ગુજરાત પ્રદેશ ભાજપના સહ-કોષાધ્યક્ષ શ્રી મોહનભાઈ કુંડારીયા, ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી અરવિંદભાઈ વાંસદળીયા, મોરબી મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ તથા ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રભારી શ્રી ગજેન્દ્રભાઈ સક્સેનાએ જણાવ્યું હતું કે, “ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની આ વર્ષો જૂની પરંપરા રહી છે કે તેઓ દેશ અને ધર્મમાં દ્રઢ વિશ્વાસ ધરાવે છે. ભાજપના કાર્યકરો તમામ ધાર્મિક અને સામાજિક પ્રસંગોની ઉત્સાહભેર ઉજવણી કરીને સંતો-મહંતોના આશીર્વાદ મેળવીને જનસેવાના કાર્યોમાં આગળ વધતા હોય છે.”
સંતોના આશીર્વાદથી સમગ્ર મોરબી જિલ્લામાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી પ્રાર્થના આ તકે કરવામાં આવી હતી.












