મોરબી શહેરમાં થઈ રહેલા અવિરત અને ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે મોરબી મહાનગરપાલિકા તંત્ર અને ચૂંટાયેલા પદાધિકારીઓ સંપૂર્ણપણે સક્રિય થઈ નાગરિકોની સેવા માટે ખડેપગે તૈનાત થયા છે.
શહેરના અનેક નીચાણવાળા તેમજ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતાં જ મહાનગરપાલિકાની સમગ્ર ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. મોરબી મહાનગરપાલિકાના મેયર શ્રી ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયંતીભાઈ પંડસુબીયા, દંડક શ્રી જયેશભાઈ દેસાઈ, શાસક પક્ષના નેતા બેન શ્રી અર્પિતાબા જાડેજા તેમજ વોર્ડના તમામ કોર્પોરેટરશ્રીઓ પોતપોતાના વિસ્તારમાં સ્થાનિક લોકોની વચ્ચે પહોંચ્યા હતા.
સ્થાનિકો સાથે સીધો સંપર્ક: પાણી ભરાવાથી મુશ્કેલીમાં મુકાયેલા સ્થાનિક રહીશો સાથે પદાધિકારીઓએ સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ સાંભળી હતી અને તાત્કાલિક ઉકેલ માટે કંટ્રોલ રૂમ તથા મશીનરીને સૂચનાઓ આપી હતી.
સાતત્યપૂર્ણ મોનિટરિંગ: પદાધિકારીઓ અને કોર્પોરેટરશ્રીઓ સતત સ્થળ પર રહીને પાણીના નિકાલ અને રાહત કામગીરીનું સીધું નિરીક્ષણ કરી રહ્યા છે.
મોરબી મહાનગરપાલિકાના પદાધિકારીઓએ નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું છે કે, “અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિમાં મહાનગરપાલિકાનું તંત્ર અને તમામ પદાધિકારીઓ પ્રજાજનોની સુરક્ષા અને સુવિધા માટે ચોવીસે કલાક કાર્યરત છે. નાગરિકોએ ગભરાવાની જરૂર નથી, કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિમાં મહાપાલિકા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી છે.”











