Thursday, August 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિધાલયના SSC 1994ની બેચના વિદ્યાર્થીઓનું 32 વર્ષ...

મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિધાલયના SSC 1994ની બેચના વિદ્યાર્થીઓનું 32 વર્ષ બાદ અનોખું સ્નેહમિલન

શાળા અને હોસ્ટેલના દિવસોની યાદો તાજી કરી: સમયના લાંબા અંતરાલ બાદ પણ બાળપણની મિત્રતા અકબંધ રહી

મોરબી ડેઈલી : મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિધાલયના SSC 1994ની બેચના વિધાર્થીઓનું 32 વર્ષ બાદ એક અવિસ્મરણીય સ્નેહમિલન યોજાયું હતું. વર્ષ 1994માં ધોરણ 10 પાસ કરીને જુદી જુદી દિશામાં આગળ વધેલા આ બાળપણના મિત્રો ત્રણ દાયકાથી વધુ સમય બાદ ફરી એક જ મંચ પર ભેગા થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા

સમયના સીમાડાઓ ઓળંગીને… જ્યારે 32 વર્ષ પછી મળ્યા શ્રી મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલય, મોરબીના SSC 1994ની બેચના ‘બાળપણના 32 દોસ્તો’!

“ક્યાં ખોવાઈ ગયા એ નિશાળના દિવસો, વર્ગખંડની ધમાલ, હોસ્ટેલમાં સાથે રહી ને કરેલ મસ્તી, હોસ્ટેલમાં નાસ્તો વહેંચીને ખાવાની એ મજા?”
આ સવાલો સાથે જ્યારે 1994માં ધોરણ-10 પાસ કરીને જુદી જુદી કેડીએ ફંટાયેલા મિત્રો પૂરા 32 વર્ષ બાદ 3 ગણાંથી વધુ ઉંમરના થયે ફરી એક જ જગ્યાએ મળ્યા….!!!

આ…હા…. , આનંદની પળો એ ખુશીઓનો એવો તે પટારો ખોલ્યો કે જાણે સમય પણ થંભી ગયો.

મિત્રો ને 32 વર્ષે જોવાની આંખોમાં આતુરતા, ચહેરા પર દાયકાઓની પરિપક્વતા અને હોઠ પર એ જ જૂની મસ્તી.

સૌ મિત્રોનું આ મિલન અવિસ્મરણીય ઈતિહાસ બની ગયું. વખ્ત બદલાયો, ચહેરા બદલાયા, પણ સંબંધો એવા ને એવા! આજે સૌ કોઈ પોતપોતાના ક્ષેત્રમાં દૈનિક વ્યસ્તતા વચ્ચે જીવી રહ્યું છે — કોઈ વેપારી છે, કોઈ શિક્ષક, કોઈ ઉદ્યોગપતિ તો કોઈ સરકારી સેવામાં. કોઈના વાળ સફેદ થઈ ગયા છે તો કોઈના ચહેરા પર સમયની રેખાઓ ઉપસી આવી છે. કોઈએ ધન વધાર્યું તો કોઈએ વજન….. પરંતુ, જ્યારે બધા ભેગા થયા ત્યારે એવું લાગ્યું કે જાણે અત્યારે જ શાળાનો બેલ વાગ્યો હોય અને બધા એ જ બેન્ચ પર બેઠા હોઈએ.
મિત્રો સાથે એ માત્ર સ્નેહ ભોજન સંમેલન નહોતું પણ જૂની યાદોનો પટારો ખોલવાનો અવસર હતો. બાળપણના તોફાનો, સફળ થવાની કે આગળ નીકળી જવાની હોડ વગર ભણતરનો ઉઠાવેલ આનંદ, ને વળી પરીક્ષાના સમયે થોડા ડરથી સાથે મળીને કરેલી મઝાની મહેનત, શિક્ષકોની ડાંટ (માત્ર ડાંટ નહીં- જરૂર પડ્યે સારી પેઠે ઠમઠોરતાં પણ), ક્લાસરૂમમાં કરેલ મસ્તી, શિક્ષકોની ખાસિયતો ને ખાસ લહેકાની વાતોએ મહેફિલમાં નવો પ્રાણ ફૂંકી દીધો.

સાથે બેસીને સ્નેહ ભોજન આરોગતા સૌની નજરોમાં એક ભાવ હતો કેમિત્રતા સમય અને અંતરથી પર છે.” જીવનની સાચી મૂડી દોસ્તો છે.
દોડધામ ભરેલી આ દુનિયામાં, જ્યાં માનવી ભૌતિક સુખ પાછળ ભાગી રહ્યો છે, ત્યાં 1994ની આ બેચે સાબિત કરી દીધું કે જીવનની સૌથી મોટી મૂડી બેંક બેલેન્સ નથી, પણ મુસીબતમાં કામ આવે અને જરૂરના સમયમાં સાથ આપે તેવા સાચા મિત્રો છે. 32 વર્ષનો લાંબો અંતરાલ પણ આ સંબંધોના તાંતણાને નબળો પાડી શક્યો નહીં, ઊલટાનું સમય સાથે એ વધુ મજબૂત બન્યા છે. સૌને એક બીજાને મળ્યાનો હૃદયમાં એક અનોખો સંતોષ હતો. આજના દિવસનો સૂર્ય ભલે આથમી ગયો, પણ 1994ની આ મિત્રતાનો સૂર્ય હંમેશા તપતો રહેશે એવા દ્રઢ સંકલ્પ સાથે સૌએ એકબીજાને વિદાય આપી — “ફરી મળશું, બહુ લાંબી રાહ નહીં જોવડાવીએ કહી ને છુટા પડ્યા!”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments