Saturday, September 12, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરફાળેશ્વર મહાદેવના પૌરાણિક લોકમેળામાં માનવ મહેરામણ ઉમટયો

રફાળેશ્વર મહાદેવના પૌરાણિક લોકમેળામાં માનવ મહેરામણ ઉમટયો

ભક્તિ સાથે મેળાની મોજ માણવા મોરબી સહિત ગ્રામ્ય પંથકમાંથી હજારો પરિવારો ઉમટ્યા; ચકડોળ-આકાશઝૂલા, રાઇડ્સ અને કાઠિયાવાડી ખાનપાન બન્યા આકર્ષણનું કેન્દ્ર

મોરબી : મોરબીની પાવન ધરા પર આવેલા સુપ્રસિદ્ધ તીર્થધામ રફાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત પૌરાણિક લોકમેળામાં શરૂઆતથી જ લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રની પ્રાચીન મેળાસંસ્કૃતિ અને લોકજીવન સાથે જોડાયેલો આ મેળો વર્ષોથી લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યો છે. મહાદેવના દર્શન સાથે મેળાની મોજ માણવા માટે મોરબી શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પરિવારો ઉમટી પડતાં સમગ્ર રફાળેશ્વર પરિસર લોક ઉત્સવના માહોલમાં રંગાઈ ગયું છે.

રફાળેશ્વરના આ પૌરાણિક મેળામાં પરંપરા સાથે આધુનિક મનોરંજનનો પણ રંગ જોવા મળી રહ્યો છે. બાળકો હોય કે મોટા, સૌ માટે ઊંચા ચકડોળ, આકાશઝૂલા, ડ્રેગન રાઇડ્સ સહિતની રોમાંચક રમતો ગોઠવવામાં આવી છે. જેના કારણે મેળામાં ખાસ કરીને બાળકો અને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મેળામાં મનોરંજનની સાથે ખાનપાનની પણ મોજ જોવા મળી રહી છે. કાઠિયાવાડી પરંપરાગત વાનગીઓ ઉપરાંત ગરમાગરમ ગાંઠિયા-જલેબી, આઈસ્ક્રીમ સહિતની વિવિધ ચટાકેદાર ખાણીપીણીના સ્ટોલ્સ પર લોકોની ભીડ જોવા મળી રહી છે. બીજી તરફ મહિલાઓ અને બાળકો માટે ગ્રામીણ હસ્તકળાની ચીજવસ્તુઓ, રમકડાં તેમજ અવનવી વસ્તુઓના સ્ટોલ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા હોવાથી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મુલાકાતીઓની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને પાર્કિંગ, સ્વચ્છતા અને સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરિવાર સાથે આવતા લોકો માટે સમગ્ર મેળા પરિસરમાં વ્યવસ્થિત સુવિધા મળી રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

આ મેળા અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના માર્ગદર્શક ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે રફાળેશ્વર મહાદેવનો પૌરાણિક મેળો મોરબીની ભવ્ય સાંસ્કૃતિક ધરોહર સાથે જોડાયેલો છે. મહાદેવના દર્શન સાથે પરિવાર અને મિત્રો સાથે મેળાની મુલાકાત લઈ લોકસંસ્કૃતિના આ પાવન ઉત્સવનો આનંદ માણવા તેમણે મોરબી અને સમગ્ર પંથકની ધર્મપ્રેમી જનતાને જણાવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments