મોરબી ડેઈલી : મોરબી સહિત તમામ જિલ્લા મથકોએ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત દ્વારા કલેક્ટર અને DEO ને પડતર પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં FRC, RTE અને શાળાઓને પડતી વિવિધ વહીવટી મુશ્કેલીઓ તેમજ જૂની માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી છે.
શાળા સંચાલકોના જણાવ્યા અનુસાર તેઓ વિદ્યાર્થીઓના ઉત્થાન અને સારા શિક્ષણ માટે સતત ચિંતિત હોય છે અને તેઓ વિદ્યાર્થીઓની વધુ નજીક રહેવા માંગે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રોજેરોજ અલગ-અલગ પ્રકારની 52 જેટલી ઓનલાઈન કામગીરીના પરિપત્રો આવે છે, તેથી આ કામગીરીમાંથી મુક્તિ મળે તેવી માંગ કરવામાં આવી છે. સંચાલકોએ સરકાર સમક્ષ એક એવું સિંગલ પ્લેટફોર્મ તૈયાર કરવાની માંગ કરી છે જેમાં તમામ ડેટા સંગ્રહિત થઈ જાય, જેથી શાળાઓએ વારંવાર આવતા પરિપત્રોના જવાબ ન આપવા પડે અને શિક્ષકો તે સમય બાળકો પાછળ ફાળવી શકે.
શાળા સંચાલકોના જણાવ્યા અનુસાર વર્ષ 2017 માં FRC અસ્તિત્વમાં આવી ત્યારથી ફીનો સ્લેબ એ જ રહ્યો છે અને તેમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. વર્તમાન સમયમાં મોટાભાગની શાળાઓ દરખાસ્ત રજૂ કરવાને બદલે એફિડેવિટ (સોગંદનામું) રજૂ કરવાની પ્રક્રિયા અપનાવે છે. આથી જે શાળાઓને ફીમાં 10% થી ઓછો વધારો કરવાનો હોય, તેમને માત્ર એફિડેવિટ રજૂ કરવાથી પણ ફી વધારો મળી રહે તેવી સરકારને વિનંતી કરવામાં આવી છે. મોંઘવારીના કારણે દરેક જગ્યાએ વધારો જોવા મળતો હોય, શાળાઓના વિકાસ અને નિભાવ માટે ફંડની જરૂર પડે છે. આથી ભવિષ્યમાં 10% વધારા માટે FRC ની પ્રક્રિયાનું સરળીકરણ થાય તેવી માંગ કરાઈ છે.
શાળા સંચાલકોના જણાવ્યા અનુસાર RTE એક્ટ હેઠળ શાળાઓમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની ફી બાબતે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવેલી છે. આ મામલે હાઈકોર્ટે સરકારને માર્ગદર્શન અને સ્પષ્ટ ચુકાદો આપેલો છે કે સંસ્થાઓને FRC દ્વારા મંજૂર કરાયેલી ફી અથવા તો નજીકની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી દીઠ જે ખર્ચ લાગતો હોય તે રકમ ચૂકવવામાં આવે. સરકાર દરેક શાળાને FRC દ્વારા નિયત કરેલી ફી RTE ના વિદ્યાર્થીઓ માટે પણ સત્વરે ચૂકવે તેવી વિનંતી શાળા સંચાલકો દ્વારા કરવામાં આવી છે.












