Friday, October 16, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedડીજેના ઘોંઘાટ વચ્ચે મોરબીમાં પ્રાચીન ગરબીની અનોખી પરંપરા જીવંત, ન્યુ ગુજરાત હાઉસિંગ...

ડીજેના ઘોંઘાટ વચ્ચે મોરબીમાં પ્રાચીન ગરબીની અનોખી પરંપરા જીવંત, ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી મંડળનું 34મું વર્ષ

180 બાળાઓની રાસપ્રસ્તુતિ બની આકર્ષણનું કેન્દ્ર, અંગારા રાસ સહિતના પ્રાચીન રાસમાં સંસ્કૃતિ અને સંસ્કારોની ઝલક

મોરબી: આધુનિક યુગમાં નવરાત્રિ દરમિયાન પાર્ટી પ્લોટમાં ડીજે અને ફિલ્મી ગીતોના તાલે ગરબા રમવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે, ત્યારે મોરબીના શનાળા રોડ પર આવેલા ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબીની પરંપરાને આજે પણ જીવંત રાખવામાં આવી રહી છે. સતત 34મા વર્ષે યોજાતી આ ગરબીમાં હિન્દી ફિલ્મી ગીતોને બદલે પ્રાચીન રાસ, માતાજીનાં ગુણગાન અને પરંપરાગત પ્રસ્તુતિઓ દ્વારા બાળાઓમાં સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન કરવામાં આવે છે. આ વર્ષે અંદાજે 180 બાળાઓ વિવિધ રાસમાં ભાગ લઈ રહી છે, જેમાં અંગારા રાસ, મોગલમાના રાસ અને હિંડોળી રાસ સહિતની પ્રસ્તુતિઓ દર્શકો માટે વિશેષ આકર્ષણ બની છે.

ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી મંડળની વિશેષતા એ છે કે અહીં ગરબી માત્ર નવરાત્રિની ઉજવણી પૂરતી મર્યાદિત નથી, પરંતુ નવી પેઢીને પોતાની સંસ્કૃતિ અને પરંપરાના મૂળ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. છેલ્લા 34 વર્ષથી આયોજકો દ્વારા પ્રાચીન રાસની પરંપરા જાળવવાની સાથે દર વર્ષે નવીન પ્રસ્તુતિઓ ઉમેરવામાં આવે છે. બાળાઓની મહેનત, અભિનય, વેશભૂષા અને તાલમેલથી રજૂ થતા વિવિધ રાસ નિહાળવા માટે ચાચર ચોકમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

ગરબી મંડળના આયોજક અમિત ડઢાણીયાએ જણાવ્યું હતું કે તેમના સહકલાકારો કિરીટભાઈ, અજીતભાઈ અને ભગીભાઈ સહિતની ટીમ દ્વારા આ આયોજન કરવામાં આવે છે. આજના ડિસ્કો ડાન્સના યુગમાં પણ પ્રાચીન ગરબીનો મહિમા જળવાઈ રહે અને બાળાઓમાં સંસ્કારોનું સિંચન થાય તે તેમનો મુખ્ય હેતુ છે. ગયા વર્ષે આશરે 300 બાળાઓએ ભાગ લીધો હતો, પરંતુ વ્યવસ્થાપનની સરળતા જળવાઈ રહે તે માટે આ વર્ષે 180 બાળાઓને સામેલ કરવામાં આવી છે. ખાસ કરીને અંગારા રાસ માટે બાળાઓએ સતત 15 દિવસ સુધી દરરોજ સાંજે 6થી રાત્રે 11 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરી હતી.

આ ગરબીની બીજી વિશેષતા એ છે કે અહીં મોરબીના ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા પ્રસંગોને પણ રાસના માધ્યમથી રજૂ કરવામાં આવે છે. રાસની પ્રેક્ટિસ કરાવનાર મૈત્રી મેરજા અને અન્ય કાર્યકર્તાઓના માર્ગદર્શન હેઠળ બાળાઓને અભિનય, વેશભૂષા અને પ્રસ્તુતિ માટે તૈયાર કરવામાં આવે છે. વાણિયાણ અને મોરબીના રાજા સાથે જોડાયેલા રાસમાં લાઇવ ઘોડા સાથે રાજાની એન્ટ્રી કરાવવામાં આવી હતી. આગામી પ્રસ્તુતિઓમાં મોમાઈ માતાના રાસમાં લાઇવ ઊંટ સાથે માતાજીની એન્ટ્રી કરાવવાનું આયોજન પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.

અંગારા રાસ જેવી રોમાંચક પ્રસ્તુતિ દરમિયાન બાળાઓની સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. મૈત્રી મેરજાના જણાવ્યા મુજબ, બાળાઓને પ્રાચીન પરંપરાથી લુપ્ત થતા જતા રાસ શીખવવાનો પ્રયાસ કરવામાં આવે છે અને પ્રેક્ટિસ દરમિયાન તેમના પગ તથા શરીરની સુરક્ષા માટે કાર્યકર્તાઓ સતત દેખરેખ રાખે છે, જેથી કોઈ બાળાને ઇજા ન થાય કે દાઝી ન જાય.

ગરબીમાં છેલ્લા ત્રણ વર્ષથી ભાગ લેતી પ્રિયાશીબા કીરીટીસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અહીં હિન્દી ફિલ્મી ગીતોને બદલે પ્રાચીન ગરબીની પરંપરાને પ્રાધાન્ય આપવામાં આવે છે. 16 બાળાઓએ અંગારા રાસમાં ભાગ લીધો હતો અને તેના માટે વિશેષ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. મોમાઈ માતાના રાસ, અંગારા રાસ અને સળગતી હિંડોળી જેવી પ્રસ્તુતિઓ બાળાઓને પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલી રહેવાની તક આપે છે. અહીં બાળાઓ સાથે મળીને પ્રેક્ટિસ કરે છે અને પરિવાર જેવી લાગણી અનુભવે છે.

આમ, આધુનિકતાના પ્રવાહ વચ્ચે ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી મંડળ દ્વારા પ્રાચીન રાસ, માતાજીની આરાધના અને ગુજરાતી સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ સરાહનીય બની રહ્યો છે. બાળાઓની કલા, આયોજકોની મહેનત અને પરંપરા પ્રત્યેની નિષ્ઠા આ ગરબીને મોરબીના નવરાત્રિ મહોત્સવમાં વિશિષ્ટ ઓળખ અપાવે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments