અઘોરી રાસથી માંડીને મહિષાસુર વધ અને મોરબીની વાણિયાણી સહિતના રાસમાં માતાજીની આરાધના સાથે સંસ્કૃતિની ઝલક જોવા મળશે
મોરબી ડેઈલી : નવરાત્રિના આઠમના પાવન પર્વે મોરબીના ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી મંડળ ખાતે આજે ભક્તિ, પરંપરા અને લોકસંસ્કૃતિનો અનોખો સંગમ સર્જાશે. ગરબીમાં બાળાઓ દ્વારા એકથી એક ચડિયાતા કુલ 10 વિશેષ રાસ રજૂ કરવામાં આવશે. પરંપરાગત ગરબાની સાથે પૌરાણિક કથાઓ, ધાર્મિક પ્રસંગો અને લોકજીવનની ઝલક રજૂ કરતા આ રાસ દર્શકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. ખાસ કરીને અઘોરી રાસ, મહિષાસુર વધ અને મોરબીની વાણિયાણી જેવા રાસમાં બાળાઓની રજૂઆત દ્વારા માતાજીની ભક્તિ સાથે સંસ્કૃતિના વિવિધ રંગો ઉજાગર થશે.
આજના વિશેષ રાસમાં એક ઝાડ માથે ઝુમખડું,. ધડકાવાળી મેલડી માં નાટક અને મોરબીની વાણિયાણીના ઐતિહાસિક રાસ રજૂ થશે. ત્યારબાદ તારા ડુંગરે થી ઉતર્યો વાઘ અને અઘોરી રાસ રજૂ કરવામાં આવશે. મોમાઈ માંનો રાસ, કચ્છ માં અંબર, મહિષાસુરનો વધ, ગ્રુપ-બી દ્વારા માં ને પારે પાવો વાગે અને અંતે સગળતી ઈછોણીનો રાસ રજૂ કરવામાં આવશે.
આ તમામ રાસમાં બાળાઓની તાલબદ્ધ રજૂઆત, પરંપરાગત વેશભૂષા અને ધાર્મિક ભાવના સાથે નવરાત્રિની ઉજવણી વધુ રંગતભરી બનશે. આઠમના દિવસે માતાજીની આરાધના માટે ગરબી મંડળમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તેવી શક્યતા છે. રાત્રે 8 વાગ્યાથી પ્રારંભિક રાસ શરૂ થશે અને ત્યારબાદ નક્કી કરેલા સમય અનુસાર વિવિધ ગ્રુપની રજૂઆતો થશે. આઠમના પર્વે યોજાનારી આ વિશેષ રાસમાળામાં ભક્તિ અને લોકસંસ્કૃતિના રંગે રંગાવા ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી મંડળ દ્વારા સર્વ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.










