મોરબીની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી રાજપરિવારના મોભી રાજમાતા સ્વ.વિજયકુંવરબાના દુઃખદ નિધન પર ઊંડા શોકની સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ ન્યુ પેલેસ ખાતે ઉપસ્થિત રહી તેમની છબી સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી સદ્ગત આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી.
આ સાંત્વના મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ મહારાજકુમારી રૂક્ષ્મણીદેવી, મહારાજકુમારી દ્રોપદીદેવી, મહારાજકુમારી ઉમાદેવી, વિશાલ આદિત્યસિંહજી જાડેજા સહિત શોકગ્રસ્ત રાજપરિવારના સભ્યો અને સ્નેહીજનો સાથે મુલાકાત કરી તેમને આ દુઃખદ આઘાત સહન કરવાની શક્તિ મળે તે માટે સાંત્વના પાઠવી હતી. મોરબીના પ્રજાકલ્યાણ, પરંપરાગત વારસો જાળવવામાં તથા વિવિધ સામાજિક-સેવાકીય કાર્યોમાં સ્વ. રાજમાતા વિજય કુંવરબાના સ્મરણીય યોગદાનને મુખ્યમંત્રીએ આ તકે આદરપૂર્વક યાદ કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મંત્રી સર્વ જીતુભાઈ વાઘાણી, પ્રફુલભાઈ પાનેસેરીયા, ત્રિકમભાઈ છાંગા અને કાંતિલાલ અમૃતિયા, રીવાબા જાડેજા, મોરબી મેયર ઉત્તમ સુરાણી, સાંસદ વિનોદભાઈ ચાવડા, કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય સર્વ પ્રકાશભાઈ વરમોરા, દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, મોરબી કમિશનર સંગીતા રૈયાણી તેમજ સ્થાનિક પદાધિકારીઓ, મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.











