‘એક આરોગ્ય, એક પહેલ: AMR ને અત્યારે જ અટકાવો’ થીમ હેઠળ વિવિધ સેમિનાર અને માર્ગદર્શન કાર્યક્રમો યોજાશે; તબીબી સલાહ વિના એન્ટીબાયોટિક્સ ન લેવા કલેક્ટરશ્રીની અપીલ
મોરબી ડેઈલી:દવાઓ સામે બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવોમાં પ્રતિકારક ક્ષમતા વધવાની ગંભીર સમસ્યા એટલે કે એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) સામે વ્યાપક જનજાગૃતિ કેળવવાના હેતુસર મોરબી જિલ્લામાં તા. ૧૮ થી ૨૪ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ‘વિશ્વ AMR જાગૃતિ સપ્તાહ’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં આ અભિયાનની શરૂઆત કરાઈ હતી.
“એક આરોગ્ય, એક પહેલ : AMR ને અત્યારે જ અટકાવો” ની થીમ હેઠળ માનવ, પશુ અને પર્યાવરણના સ્વાસ્થ્યને જોડીને વિવિધ જનજાગૃતિ, તાલીમ અને માર્ગદર્શન કાર્યક્રમો યોજાશે. આ સપ્તાહ દરમિયાન સરકારી અને ખાનગી તબીબો, આરોગ્ય કર્મચારીઓ, ફાર્માસિસ્ટ તેમજ શાળા-કોલેજોમાં AMR સામેના પડકારો અને નિવારણના ઉપાયો અંગે વિશેષ સેમિનાર યોજવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ નાગરિકોને તબીબી સલાહ અને પ્રિસ્ક્રિપ્શન વિના એન્ટીબાયોટિક્સ ન લેવા, જૂના પ્રિસ્ક્રિપ્શન કે અન્ય વ્યક્તિની દવા ન વાપરવા તેમજ તબીબની સૂચના મુજબ દવાનો કોર્સ પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. શરદી કે વાયરલ તાવ જેવા વાયરસજન્ય રોગોમાં એન્ટીબાયોટિક્સ અસરકારક ન હોવાથી આવી બીમારીઓમાં પોતાની રીતે એન્ટીબાયોટિક્સ લેવાનું ટાળવા ખાસ ભાર મૂકાયો હતો.
AMR ની અસર આજની સાથે આવનારી પેઢીના આરોગ્ય પર પણ પડી શકે તેમ હોવાથી જવાબદાર દવા ઉપયોગ અને ચેપ નિયંત્રણની સારી ટેવો અપનાવવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવલદાન ગઢવી, GMERS મેડિકલ કોલેજના ડીનશી ડો. નીરજ બિશ્વાસ, ડેપ્યુટી મેયરશ્રી અને આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી તથા શિક્ષણ, આરોગ્ય, ફૂડ એન્ડ ડ્રગ, ખેતીવાડી અને પશુપાલન વિભાગના અધિકારીશ્રીઓ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ અને સંબંધિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.










