મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં રાત્રીના સમયે અવાર નવાર એકલ દોકલ પરપ્રાંતીય શ્રમિકોને લૂંટી લેવાની ઘટનાઓ બને છે ત્યારે વીસેક દિવસ પૂર્વે ખોખરા હનુમાન નજીક મધ્યપ્રદેશના યુવાનને બે બાઈકમાં આવેલ ચાર શખ્સોએ છરીની અણીએ મોબાઈલ તેમજ રોકડ લૂંટી લેતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના વતની અને હાલમાં માટેલ રોડ ઉપર ઢુંવા નજીક ઈનવોલ સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક અમનભાઈ અંબારામ કુશવા ઉ.23નામના યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંશાવતા જાહેર કર્યું હતું કે, વીસેક દિવસ પૂર્વે તે મોરબી ખોખરા હનુમાન મંદિર નજીકથી પસાર થતો હતો ત્યારે રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં બે બાઈક ઉપર આવેલ અજાણ્યા ચાર શખ્સોએ ગળે છરી અડાડી જે કઈ હોય તે આપી દેવા ધમકી આપી રૂપિયા 10 હજારની કિંમતનો મોબાઈલ ફોન તેમજ 2500 રોકડા લૂંટી લઈ નાસી ગયા હતા. આ લૂંટના બનાવ અંગે હાલમાં મોરબી તાલુકા પોલીસે ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.










