મોરબી સિરામિક ઉધોગ દિવાળી બાદ મંદીમાંથી પસાર થઇ રહ્યો છે અને સિરામિક ઉધોગ બંધ કરવાની આશ પણ રાખવામાં આવી હતી જો કે હાલમાં મંદીના માહોલને પહોચી વળવા માટે વોલ, ફ્લોર અને પાર્કિંગ ટાઈલ્સમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે
મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝમા મંદી ઘર કરી ગઈ હોય તેમ હાલમાં સિરામિક ઉધોગમાં તેજીના બદલે મંદી જોવા મળી રહી છે અને નુકશાનીમાંથી ઉધોગ પસાર થઇ રહ્યો છે જેને પહોચી વળવા માટે ૦૧ ફેબ્રુઆરીથી સીરામીકની વોલ ફ્લોર પાર્કિંગ પ્રોડક્ટ માં 10 % ભાવ વધારો કરવામાં આવ્યો છે.
મોરબી સિરામિક એસોસિએશન દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે ૬ મહિનામાં સીરામીક રો મટીરીયલ, ગેસ અને પેકીજીંગ પ્રાઈઝમાં મોટા વધારા આવતા સીરામીક ઇન્ડસ્ટ્રીઝ હાલ મોટી નુકશાની કરી રહેલ છે, જેથી ક્વોલિટી ટકાવી રાખવા અને આપણી સપ્લાય કન્ટિન્યુટી ટકાવી રાખવા ૦૧ ફેબ્રુઆરી થી સીરામીકની વોલ ફ્લોર પાર્કિંગ પ્રોડક્ટમાં 10 % ભાવ વધારો કરવામાં આવે છે.જો આ ભાવ વધારો સ્વીકારવામાં વિલંબ થશે તો આકસ્મિક પ્રોડક્સન કાપી ઈંડસ્ટ્રીઝ સર્વાઇવ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
આ મામલે સિરામિક એસો. પ્રમુખ હરેશભાઈ બોપલીયાએ જણાવ્યું કે રો-મટિરિયલ્સના ભાવમાં વધારો થયો હતો. ફ્લોર ટાઈલ્સના 150 અને વોલ ટાઈલ્સના 230 જેટલા યુનિટો સંઘર્ષનો સામનો કરી રહ્યા હતા. આ ઉદ્યોગને ટકાવી રાખવા માટે 10 ટકાનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. હાલ છેલ્લા થોડા સમયથી ટાઇલ્સની કોસ્ટ હતી તે જ ભાવે વેચાણ થઈ રહ્યું હતું. પણ હવે નુકસાની ન થાય તે માટે ભાવ વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સિરામિક ઉદ્યોગ મંદીમાં હોય જીવીટી એકમો ક્રમશઃ બંધ કરવા વિચારણા થઈ રહી હતી. જેમાં અમુક એકમોને ફેબ્રુઆરીમાં શટ ડાઉન કરવા તો અમુક એકમોને એપ્રિલમાં શટ ડાઉન કરવા વિચારણા ચાલી રહી હતી. આ મામલે સિરામિક એસો.પ્રમુખ વિનોદભાઈ ભાડજાએ જણાવ્યું કે હાલ પૂરતો આ શટડાઉનનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. આગામી સમયમાં ઉદ્યોગની સ્થિતિ જોઈ નિર્ણય લેવામાં આવશે









