મોરબી : મોરબીના સ્કાયમોલ સામે આવેલ ભગવતી પ્લાઝા નામના બિલ્ડીંગમાં ગઈકાલે બપોરના સમયે ઓફિસમાં ઘુસી બે શખ્સોએ કોઈપણ કારણ વગર ઓફિસના કર્મચારીઓને ગાળો આપી ઓફિસમાં તોડફોડ કરતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સ્કાય મોલ સામે આવેલ ભગવતી પ્લાઝા બિલ્ડીંગમાં આવેલી સેવા એજ સંપતિ ફાઉન્ડેશનની ઓફિસમાં કામ કરતા નિકુંજભાઈ ધીરજલાલ બાવરવા રહે.વાઘપર ગામ વાળાએ આરોપી જયેશભાઈ તુલસીભાઈ કાસુન્દ્રા તેમજ પ્રકાશ નરભેરામભાઈ ભૂત વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદી ઓફિસે જમતા હતા ત્યારે બન્ને આરોપીઓ ઓફિસમાં ઘુસી આવી ગાળો આપી ઓફિસમાં કારણ વગર તોડફોડ કરી હતી. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.








