ગૌરક્ષકોએ માળિયા (મી.)થી પીછો કરી ધ્રાંગધ્રા પાસેથી પશુઓ ભરેલું આઇસર ઝડપી લીધું
મોરબી : કચ્છથી માળિયા થઈને અમદાવાદ પશુઓ ભરીને આઇસર ગાડી કતલખાને જઈ રહી હોવાની નક્કર હકીકતના આધારે ગૌરક્ષકો અને પોલોસે માળિયા-અમદાવાદ રોડ ઉપર માળિયા (મી.)થી પીછો કરી ધ્રાંગધ્રા પાસેથી પશુઓ ભરેલું આઇસર ઝડપી લીધું હતું અને આઈસરમાં કુરતાપૂર્વક ઠાંસીને કતલખાને લઈ જવાતા 35 અબોલ પશુઓને બચાવી લીધા હતા. આ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જો કે આ બનાવ ધાંગધ્રા હદ વિસ્તારનો હોવા ત્યાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ , અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ (દિલ્હી, ગુજરાત), અને હિન્દુ યુવા વાહિની (ધાંગધ્રા)ના ગૌરક્ષકોને ખાનગીરાહે હકીકત મળી હતી કે, GJ06 AT 8168 નંબરની આઇસર ગાડીમાં 35 જેટલા પાડાને કતલ કરવાના ઈરાદે કચ્છ તરફથી માળિયા થઈને અમદાવાદ લઈ જવામાં આવી રહ્યા છે. આ હકીકતના આધારે મોરબી સહિતના ગૌરક્ષકોએ માળીયા નજીક વોચ ગોઠવી હતી. આ હકીકત મુજબનું આઇસર માળિયાથી પસાર થતાં ગૌરક્ષકોએ તેનો પીછો કરીને ધાંગધ્રા નજીક આઇસરને અટકાવી પોલીસની મદદથી આઇસરમાં ચેક કરતાં આ વાહનમાં નાના-મોટા મળીને 35 પાડાને અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધેલા જોવા મળ્યા હતા. આથી વાહનચાલકની પૂછપરછમાં જણાયું હતું કે, તેની પાસે પરમિટ નહોતી અને તે આ અબોલ પશુઓ કચ્છથી ભરીને કતલ કરવાના ઈરાદે અમદાવાદ લઈ જઈ રહ્યો હતો. પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી લઈ ગાડી કબજે કરી અને તમામ જીવોને મુક્ત કરાવ્યા હતા.











