થોભણભાઈ વેરાણા અને રંભીબેન વેરાણાએ મતાધિકારનો ઉપયોગ કરી નાગરિકો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
મોરબી : મોરબી જિલ્લામાં આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકશાહીના આ મહાપર્વમાં યુવાનોથી માંડીને વૃદ્ધો પણ પોતાની પવિત્ર ફરજ બજાવવા માટે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે અને પોતાનો કિંમતી મત આપી રહ્યા છે.
આ દરમિયાન મોરબી તાલુકાના લૂંટાવદર ગામમાંથી એક અત્યંત પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. લૂંટાવદર ગામના 100 વર્ષના દંપતિ થોભણભાઈ વેરાણા અને રંભીબેન વેરાણાએ ઉંમરના આ પડાવે પણ ચૂંટણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ બંનેએ સજોડે મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
100 વર્ષની જૈફ વયે આ દંપતિ દ્વારા કરવામાં આવેલું મતદાન સમાજના અન્ય નાગરિકો અને ખાસ કરીને મતદાન કરવાથી દૂર રહેતા યુવાનો માટે એક ઉત્તમ પ્રેરણા પૂરી પાડે છે. ઉંમરના બાધ વિના લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ અદા કરીને આ દંપતિએ સમાજને મતદાન જાગૃતિનો મોટો સંદેશ આપ્યો છે.









