માળિયા (મિયાણા): શિક્ષણ ક્ષેત્રે માળિયા તાલુકાનું નામ રોશન કરતા શ્રી નાની બરાર તાલુકા શાળાના ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ ‘જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા-૨૦૨૬’ માં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં જાહેર થયેલા પરિણામો મુજબ, શાળાના 11 પૈકી 4 તેજસ્વી વિદ્યાર્થીઓએ પ્રથમ મેરિટ યાદીમાં જ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. જેમાં ચાવડા સુરભી અજીતભાઇ, શેરસીયા પર્વ દિનેશભાઈ, ડાંગર ઉર્વી આશિષભાઈ, જોષી જીંકલ જગદીશભાઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, શાળાની અન્ય એક તેજસ્વી વિદ્યાર્થીની ડાંગર સંધ્યા જેઠાભાઈ માત્ર ૧ માર્ક્સના અત્યંત નજીવા અંતરથી પ્રથમ યાદીમાં સ્થાન મેળવતા ચૂકી ગયા છે, પરંતુ તેઓ બીજા રાઉન્ડમાં મેરિટમાં સ્થાન મેળવે તેવી પૂરેપૂરી શક્યતા છે. વિદ્યાર્થીઓની આ ઝળહળતી સફળતા બદલ શાળાના આચાર્ય શ્રી રાકેશભાઈ ફેફર દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓ અને એમના માર્ગદર્શક શિક્ષકોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી..









