મોરબીમાં કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બીમારી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે વિશેષ કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. “ચેતતા નર સદા સુખી”ના સૂત્રને સાકાર કરતા યોજાયેલા આ કેમ્પમાં 100થી વધુ નાગરિકોએ ભાગ લઈ વિવિધ પ્રકારના કેન્સરની તપાસ કરાવી હતી.
મોરબી GIDC શનાળા રોડ પર આવેલી સંસ્કાર ઇમેજિંગ અને બ્લડ બેન્ક ખાતે યોજાયેલા આ કેમ્પનો મુખ્ય હેતુ કેન્સરનું પ્રાથમિક તબક્કે નિદાન કરી દર્દીઓને ગંભીર સારવાર તેમજ મોટા આર્થિક બોજમાંથી બચાવવાનો હતો. નિષ્ણાતોના જણાવ્યા મુજબ કેન્સરનું વહેલું નિદાન થાય તો સારવાર વધુ અસરકારક અને સરળ બની શકે છે. કેમ્પ દરમિયાન પુરુષો માટે મોઢાના કેન્સરનું નિદાન તેમજ 50 વર્ષથી વધુ વયના પુરુષો માટે પ્રોસ્ટેટ કેન્સરની તપાસ માટે PSA ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મહિલાઓ માટે ગર્ભાશયના કેન્સરનું પ્રાથમિક ચેકઅપ અને સર્વાઇકલ સ્મીયર ટેસ્ટ રાહતદરે કરાયા હતા. સાથે જ સ્તન કેન્સરના નિદાન માટે નિશુલ્ક ચેકઅપ તથા જરૂરી જણાય ત્યાં મેમોગ્રાફીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આ કેમ્પમાં કેન્સર સર્જન ડો. જેકોબ જ્હોન, રેડિયોલોજીસ્ટ ડો. અક્ષય ધોરીયાણી, બ્રેસ્ટ ઓન્કોપ્લાસ્ટિક સર્જન ડો. અશ્વિની મોદી, પેથોલોજીસ્ટ ડો. પૂનમ કાચરોલા, ગાયનેકોલોજીસ્ટ ડો. પાયલ ફળદુ, એમ્બ્રોલોજીસ્ટ ડો. અંકિતા પટેલ સહિતના નિષ્ણાત તબીબોએ પોતાની સેવાઓ આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સાધનાબેન ઘોડાસરા, ડો. અંકિતાબેન પટેલ, આશાબેન ભાલોડીયા તેમજ ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્રના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કેમ્પ દ્વારા શહેરમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.











