મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી બાદ સતત સક્રિય કામગીરી માટે ઓળખ બનાવી રહેલા વોર્ડ નં-9ના કોર્પોરેટર હિરેન કરોતરાએ ચોમાસા પૂર્વે પ્રિ-મોનસુન એક્ટિવિટીના ભાગરૂપે વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ જરૂરી નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને વોર્ડ નં-9ની આશરે 11 જેટલી સોસાયટીઓને અસર કરતા નાળાની રૂબરૂ મુલાકાત લઈ તેમણે સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
મુલાકાત દરમિયાન કોર્પોરેટર હિરેન કરોતરાએ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી નાળાની સમયસર સફાઈ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા અંગે જરૂરી સૂચનો આપ્યા હતા. આગામી ચોમાસામાં વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય તે માટે યોગ્ય આયોજન કરવામાં આવે તે દિશામાં તેમણે તંત્ર સાથે સમન્વય સાધ્યો હતો.

આ ઉપરાંત હિરેન કરોતરાએ નાની કેનાલ ઉપર બની રહેલા નવનિર્મિત આઇકોનિક રોડની પણ મુલાકાત લીધી હતી. રોડની ગુણવત્તાની સમીક્ષા કરી કામ વધુ મજબૂત અને ટકાઉ બને તે માટે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ચોમાસા પહેલા રોડનું કામ ગુણવત્તાસભર પૂર્ણ થાય તે માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
વોર્ડ નં-9ના સ્થાનિકોમાં કોર્પોરેટર હિરેન કરોતરાની સક્રિયતા અને સંવેદનશીલ કામગીરીને લઈને સંતોષ અને પ્રશંસા જોવા મળી હતી. સ્થાનિકોએ તેમની કામગીરીને બિરદાવી આગામી સમયમાં પણ આવી જ જવાબદારીપૂર્વક કામગીરી ચાલુ રાખવા આશા વ્યક્ત કરી હતી.











