Saturday, May 16, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં આવક અને જાતિના દાખલા માટે મામલતદાર કચેરીએ અરજદારોનો ધસારો

મોરબીમાં આવક અને જાતિના દાખલા માટે મામલતદાર કચેરીએ અરજદારોનો ધસારો

મોરબી : બોર્ડના પરિણામો જાહેર થયા બાદ ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન પ્રક્રિયા શરૂ થતા મોરબી શહેરમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકના દાખલા તેમજ જાતિના પ્રમાણપત્ર મેળવવા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોરબી સીટી મામલતદાર કચેરી ખાતે એટીવીટી સેન્ટરમાં માત્ર એક જ ઓપરેટર કાર્યરત હોવાથી અરજદારોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે.

મોરબી શહેરની અઢી લાખથી વધુની વસ્તી વચ્ચે ધોરણ-10 અને ધોરણ-12ના પરિણામો બાદ ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને વાલીની આવકનો દાખલો તેમજ જાતિ પ્રમાણપત્ર ફરજિયાત બનતા દરરોજ મોટી સંખ્યામાં લોકો સીટી મામલતદાર કચેરીએ પહોંચી રહ્યા છે. હાલ દરરોજ અંદાજે 300 જેટલા દાખલા કાઢવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે. જોકે, એક જ ઓપરેટર હોવાથી અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે. અરજદારોનું કહેવું છે કે એટીવીટી સેન્ટરમાં વધારાના ઓપરેટર તથા નાયબ મામલતદારની નિમણૂક કરવામાં આવે તો લોકોને મોટી રાહત મળી શકે.

વિદ્યાર્થીઓ માટે જરૂરી એવા SEBC (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ)ના દાખલા પણ અત્યાર સુધી મામલતદાર કચેરીમાંથી જ અપાતા હોવાથી ભારે ભીડ થતી હતી. જોકે, સીટી મામલતદાર પ્રશાંત ગઢવીએ પ્રજાની મુશ્કેલીને ધ્યાનમાં રાખી સમાજ કલ્યાણ અધિકારી સાથે ચર્ચા કર્યા બાદ હવે SEBC પ્રમાણપત્ર માટે જિલ્લા સેવાસદન, શોભેશ્વર રોડ સ્થિત સમાજ કલ્યાણ કચેરી, ગ્રાઉન્ડ ફ્લોર રૂમ નંબર-4 ખાતે વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. અરજદારોને SEBC દાખલા માટે હવે સમાજ કલ્યાણ વિભાગનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ તરફ સીટી મામલતદાર કચેરીમાં રોજ સેંકડો લોકો આવતા હોવા છતાં પંખાની પૂરતી વ્યવસ્થા ન હોવાથી કાળઝાળ ગરમીમાં અરજદારોને ભારે ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. પીવાના પાણી અને છાંયડાની વ્યવસ્થા હોવા છતાં પંખાની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠી છે. બીજી તરફ સીટી મામલતદાર કચેરી તેમજ લાલબાગ સેવાસદનમાં માર્ગદર્શન માટે હેલ્પડેસ્ક ન હોવાથી કેટલાક એજન્ટો દ્વારા અરજદારો પાસેથી ફોર્મ ભરવા અને પ્રક્રિયા સમજાવવા માટે રૂ. 200 થી 500 સુધીની રકમ વસૂલવામાં આવતી હોવાની ફરિયાદો સામે આવી છે. અરજદારો દ્વારા સરકારી કચેરીઓમાં સત્તાવાર હેલ્પડેસ્ક શરૂ કરવાની માંગણી પણ કરવામાં આવી છે.

જાતિનો દાખલો કઢાવવા માટે જરૂરી પુરાવા

જાતિના દાખલા માટે અરજદારનું આધારકાર્ડ, રેશનકાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તેમજ પિતા, કાકા, ફઈ અથવા દાદાના જાતિના દાખલા સહિતના દસ્તાવેજો જરૂરી હોવાનું જણાવાયું છે. ઉપરાંત 1 એપ્રિલ 1978 પહેલાનો સરકારી રેકોર્ડ અથવા જન્મ આધાર જેવા પુરાવાઓ પણ ફરજિયાત રહેશે.

આવકનો દાખલો કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

આવકના દાખલા માટે રેશનકાર્ડ, આધારકાર્ડ અને લાઈટબિલ જરૂરી રહેશે. જો આવક રૂ. 2.5 લાખથી વધુ હોય તો આઈટી રિટર્ન પણ રજૂ કરવું પડશે. EWS સર્ટિફિકેટ માટે અરજદાર તથા પિતાનું લિવિંગ સર્ટિફિકેટ, સોગંદનામું અને આવકનો દાખલો જરૂરી રહેશે. જ્યારે નોન-ક્રિમિલિયર સર્ટિફિકેટ માટે રેશનકાર્ડ, આધારકાર્ડ, જાતિનો દાખલો, લિવિંગ સર્ટિફિકેટ તેમજ તા. 1-4-2024 પછીનો આવકનો દાખલો ફરજિયાત રાખવામાં આવ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments