મોરબી શહેરના વોર્ડ નંબર 9 વિસ્તારમાં આવેલ અરિહંત સોસાયટીમાં લાંબા સમયથી અધૂરા રહેલા રોડના પ્રશ્નને લઈને સ્થાનિક રહિશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. જે બાબતે સ્થાનિકોએ કોર્પોરેટર નવનિતભાઈ કુંડારીયાને રજૂઆત કરી હતી. આ પ્રશ્નને ગંભીરતાથી લઈ મોરબી મહાનગર પાલિકાના વોર્ડ નંબર 9ના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારીયાએ તારીખ 14મેના રોજ મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોની સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન અરિહંત સોસાયટીના અધૂરા રોડની કામગીરી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે તથા અન્ય વિકાસલક્ષી કામો અંગે ચર્ચા વિચારણા કરી હતી.
રજૂઆત બાદ મહાનગર પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધ્યાન આપવામાં આવ્યું હતું અને માત્ર બે દિવસમાં જ એટલે કે આજે તારીખ 16 મેથી અરિહંત સોસાયટી ખાતે રોડની કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. રોડનું કામ શરૂ થતાં સ્થાનિક રહિશોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રહિશોએ આશા વ્યક્ત કરી છે કે હવે વિસ્તારના બાકી રહેલા વિકાસલક્ષી પ્રશ્નોનો પણ ઝડપી ઉકેલ આવશે. સ્થાનિકોએ કોર્પોરેટર નવનિતભાઈ કુંડારીયાના પ્રયાસોને બિરદાવતાં જણાવ્યું હતું કે પ્રજાના પ્રશ્નોને લઈને તંત્ર સમક્ષ અસરકારક રજૂઆત થતી હોવાથી વિકાસકાર્યોને ગતિ મળી રહી છે.












