મોરબી : આ વેકેશન દરમિયાન બાળકોમાં આધ્યાત્મિકતા, સકારાત્મકતા અને સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી ઇસ્કોન કઠવાડા દ્વારા “પુરુષોત્તમ માસ” (અધિક માસ) નિમિત્તે વિશેષ ઓનલાઇન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના 5 થી 17 વર્ષની વયના તમામ બાળકો આ કેમ્પનો સંપૂર્ણ નિઃશુલ્ક લાભ લઈ શકશે.
આ ઓનલાઇન કેમ્પ આવતીકાલે તા. 17-5-2026, રવિવારથી શરૂ થશે અને 15 જૂન સુધી ચાલશે. કેમ્પ દરમિયાન સોમવારથી શનિવાર સાંજે 6:30 થી 7:30 વાગ્યા સુધી અને રવિવારે સવારે 9:00 થી 10:30 વાગ્યા સુધી ઝૂમ અને યુટ્યુબ પર લાઈવ વર્ગો યોજાશે. કેમ્પમાં બાળકોને ભગવદ્દ ગીતા અંતર્ગત પુરુષોત્તમ યોગ, કૃષ્ણની પ્રેરણાદાયક અને મનોરંજક વાર્તાઓ તેમજ મહાભારતની મૂલ્ય આધારિત કથાઓ શીખવવામાં આવશે. ઉપરાંત શ્લોક કંઠસ્થ કરાવવાના કાર્યક્રમો, રમત-ગમત, ક્વિઝ અને હસ્તકલા જેવી વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓ પણ યોજાશે. બાળકોના જ્ઞાનનું મૂલ્યાંકન કરવા કસોટી લેવામાં આવશે તેમજ ઉત્તમ પ્રદર્શન કરનાર બાળકોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવશે. કેમ્પના અંતે બાળકો માટે વિશેષ રિટ્રીટનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
મોરબી હરે કૃષ્ણ સત્સંગના અતુલ વિષ્ણુ દાસે જણાવ્યું હતું કે આ કેમ્પ દ્વારા બાળકોમાં સકારાત્મક વિચારસરણી, સહનશીલતા, આત્મવિશ્વાસ, ધૈર્યતા અને ગીતા જ્ઞાનમાં વધારો થશે, જેનાથી તેમનું મનોબળ વધુ મજબૂત બનશે. તેમણે મોરબીના તમામ બાળકોને આ કેમ્પમાં જોડાઈ તેનો લાભ લેવા અપીલ કરી છે. વધુ માહિતી માટે અતુલ વિષ્ણુ દાસનો સંપર્ક નંબર 7016707756 પર કરી શકાશે. ઉપરાંત કેમ્પ સંબંધિત તમામ અપડેટ્સ મેળવવા માટે વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકાશે.











