મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મહિલા કમિશનર અને ગુજરાતના પણ પ્રથમ ગુજરાતી મહિલા કમિશનર તરીકે સંગીતા રૈયાણીએ આજે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે મોરબીના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરી દીધી છે. તેઓ મૂળ ગોંડલના વતની છે અને વર્ષ 2020 માં IAS તરીકે બઢતી પામ્યા હતા. મોરબી સાથે તેમનો જૂનો નાતો રહ્યો છે, જ્યાં તેમણે મે 2017 થી જાન્યુઆરી 2021 સુધી જિલ્લા રજિસ્ટ્રાર તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી હતી. ત્યારબાદ તેમણે અમદાવાદ સહિતના અન્ય શહેરોમાં પણ મહત્વની જવાબદારીઓ નિભાવી છે.
કમિશનર સંગીતા રૈયાણીએ ચાર્જ સંભાળ્યા બાદ જણાવ્યું હતું કે, મોરબી ભૌગોલિક અને વિસ્તારની દ્રષ્ટિએ એક ખૂબ જ મોટું શહેર છે. અહીં હજુ પણ વિકાસના અનેક કાર્યો કરવાના બાકી છે. શહેરીકરણના વધતા વ્યાપની સાથે સફાઈ, પાણી, નળ, ગટર અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ સીધી રીતે સામાન્ય જનજીવનને સ્પર્શે છે. આગામી સમયમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી અને નવી બોડી સાથે યોગ્ય તાલમેલ મિલાવીને મોરબી મહાનગરપાલિકાને રાજકોટ સમકક્ષ બનાવવાનો અમારો મુખ્ય ધ્યેય રહેશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આગામી 2 મહિના દરમિયાન શહેરમાં વ્યાપક સ્તરે સ્વચ્છતા ડ્રાઈવ ચલાવવામાં આવશે. આ સાથે જ ચોમાસા પૂર્વેની પ્રી-ડિઝાસ્ટર અને પ્રી-મોન્સૂન કામગીરીને પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આ તમામ સરકારી પ્રયાસો અને યોજનાઓને સફળ બનાવવા માટે તેમણે મોરબીના સામાન્ય નાગરિકોને સ્વચ્છતા જાળવવામાં અને વહીવટી તંત્રને પૂરતો સહયોગ આપવા માટે ખાસ અપીલ કરી છે.











