કલેક્ટરશ્રીએ જિલ્લાના નાગરિકોને રાષ્ટ્રહિતના આ મહાઅભિયાનમાં જોડાઈને ઓનલાઈન નોંધણી કરાવવા કરી અપીલ
ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ રાષ્ટ્ર નિર્માણની અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા એવી વસ્તી ગણતરી-૨૦૨૭ (Census 2027) અંતર્ગત ગુજરાત રાજ્યમાં સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ વસ્તી ગણતરીના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાની વિગતો દર્જ કરી સ્વ-ગણતરીની પ્રક્રિયા ઉત્સાહભેર પૂર્ણ કરી છે.
આ પ્રસંગે કલેક્ટરશ્રીએ મોરબી જિલ્લાના તમામ નાગરિકોને રાષ્ટ્રહિતના આ કાર્યમાં સક્રિય ભાગીદાર બનવા અને પોતાની સ્વ-ગણતરી પૂર્ણ કરવા ખાસ અનુરોધ કર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, વસ્તી ગણતરીના પહેલા તબક્કામાં હાઉસ લિસ્ટીંગ ઓપરેશન શરૂ થઈ રહ્યા છે. જેમાં આપ લોકો પોતાના સેલ્ફ એલ્યુમેરેશન se.census.gov.in ઉપર કરાવી શકશો. વસ્તી ગણતરી આપણા દેશના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે, જેમાં આપ તમામ મોરબી વાસીઓને સહભાગી થવા હું જિલ્લા કલેકટર તરીકે અનુરોધ કરું છું.
વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત થતા ચોક્કસ ડેટાનો ઉપયોગ ભવિષ્યની પ્રજાલક્ષી યોજનાઓના સુદ્રઢ આયોજન, માળખાકીય વિકાસ અને લોકકલ્યાણના કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવે છે. મોરબી જિલ્લાના તમામ નાગરિકોને નાગરિકો વસ્તી ગણતરીના સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર જઈને ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી સમયમર્યાદામાં આ પ્રક્રિયા પૂર્ણ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.












