ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (GWIL) હસ્તકની મુખ્ય પાઇપલાઇનમાં તોડફોડ કરી ગેરકાયદેસર રીતે પાણી ચોરી કરીને તેને ઔદ્યોગિક એકમોને વેચવાનું એક કૌભાંડ મોરબી તાલુકાના નાગડાવાસ ગામની સીમમાં ઝડપાયું છે. કંપનીના મેનેજમેન્ટ સ્ટાફ અને સિક્યોરિટી ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન આ આખું નેટવર્ક પકડી પાડવામાં આવ્યું છે. આ મામલે એજન્સીના સુપરવાઇઝર વિપુલભાઇ શામજીભાઇ વેકરીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જમીન માલિક મેરામભાઇ રાઠોડ તથા પાણી ચોરીમાં સંડોવાયેલા અન્ય ઇસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઘટનાની માહિતી મુજબ, મોરબીના નાગડાવાસ ગામની સીમમાં સર્વે નંબર-૫ ના ખેતરમાંથી જાહેર જનતાને પીવાનું પાણી પૂરું પાડતી મુખ્ય લાઇન પસાર થાય છે. તાજેતરમાં GWIL ની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ધ્યાને આવ્યું કે જમીન માલિક મેરામભાઇ રાઠોડે પાઇપલાઇનના એર વાલ્વ નંબર-૩૫ સાથે છેડછાડ કરી મોટું લીકેજ ઊભું કર્યું હતું. આ લીકેજનું પાણી વહેવડાવીને ૮૦ મીટર દૂર ખેતરમાં એક મોટો ખાડો બનાવી તેમાં પાણી એકઠું કરાતું હતું. ઘટનાસ્થળે તપાસ કરતા આ ખાડા નજીકથી એક ટ્રેક્ટર માઉન્ટેડ પંપ, સક્શન પાઇપ, ડિલિવરી પાઇપ અને ૩ ડીઝલ પંપ સેટ મળી આવ્યા હતા, જેના દ્વારા ખાડામાં ભરેલું પીવાનું સરકારી પાણી ગેરકાયદેસર રીતે ટેન્કરોમાં ભરવામાં આવતું હતું. તપાસ દરમિયાન ત્યાંથી પાણી ભરતા ૬ જેટલા `ટેન્કરો પણ મળી આવ્યા હતા. આ સરકારી પાણી ચોરી કરીને આજુબાજુના ઔદ્યોગિક એકમો (ફેક્ટરીઓ) માં ઊંચા ભાવે વેચી દેવામાં આવતું હોવાનું ખુલ્યું છે. જાહેર જનતાના પીવાના પાણીની વ્યવસ્થાને નુકસાન પહોંચાડી આચરવામાં આવેલા આ કૌભાંડ બદલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.










