Saturday, May 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં 31 મેના રોજ વાલ્મિકી સમાજનો 11મો સમૂહ લગ્નોત્સવ યોજાશે

મોરબીમાં 31 મેના રોજ વાલ્મિકી સમાજનો 11મો સમૂહ લગ્નોત્સવ યોજાશે

મોરબી: મોરબી રંતીદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા વાલ્મિકી સમૂહ લગ્ન સેવા સમિતિ – મોરબી જિલ્લાના સંયુક્ત ઉપક્રમે વાલ્મિકી સમાજનો “11મો સમૂહ લગ્નયજ્ઞ” આગામી સમયમાં ભવ્ય રીતે યોજાવા જઈ રહ્યો છે. આ સમૂહ લગ્નોત્સવમાં સમાજના 10 જેટલા નવયુગલો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરશે. આ સમૂહ લગ્નોત્સવ તા. 31/05/2026 ને રવિવારના રોજ મોરબીના શનાળા રોડ પર આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અત્યંત ધામધૂમથી આયોજિત કરવામાં આવ્યો છે.

ભોજન સમારંભના મુખ્ય દાતા અને અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ

આ મંગલમય અવસરે સમૂહ લગ્નના ભોજન સમારંભના મુખ્ય દાતા તરીકે અ.સૌ. રંજનબેન અને પી. ડી. કાંજીયા તેમજ કૃષ્ણકુમાર પી. કાંજીયા (પ્રમુખ, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી) સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત કિયન સેટના દાતા તરીકે ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ – મોરબીના પ્રમુખ રમેશભાઈ રૂપાલા તથા ટ્રસ્ટી રશ્મિકાબેન રમેશભાઈ રૂપાલા તેમજ સાસા એનર્જી એલએલપી (Sasa Energy Llp) અને સતિષભાઈ તરફથી પણ ઉદાર હાથે સહયોગ પ્રાપ્ત થયો છે. આ આયોજનને સફળ બનાવવા માટે સમૂહ લગ્ન સેવા સમિતિના પ્રમુખ બાબુભાઈ પુરાણીયા અને ઉપપ્રમુખ ગુલાબભાઈ પુરાણીયા સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

નવદંપતીઓને કરિયાવરમાં અપાશે 85 જેટલી જીવનજરૂરી વસ્તુઓ

આ સમૂહ લગ્નમાં જોડાનારા તમામ 10 નવદંપતીઓને તેમના નવા સંસારની શરૂઆત કરવા માટે વિવિધ દાતાઓ અને સંસ્થાઓના સહયોગથી આશરે 85 જેટલી નાની-મોટી કરિયાવરની ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. જેમાં ચાંદીના સાંકળા, ડબલ બેડ પલંગ, કબાટ, કૂકર, સ્ટીલનું ટીફીન, ગરણી, ડોલ, એલ્યુમિનિયમની કડાઈ, સ્ટીલના વાસણોનો ઘોડો, કાસાની મોટી થાળી, તાંબાની લોટી જેવી સોના-ચાંદીના દાગીનાથી લઈને ઘરવખરીની તમામ નાની-મોટી 85 વસ્તુઓનો સમાવેશ થાય છે.

ધાર્મિક અને રાજકીય અગ્રણીઓ આપશે આશીર્વાદ

આ અગિયારમા સમૂહ લગ્નોત્સવમાં નવયુગલોને આશીર્વાદ આપવા માટે વિવિધ ધાર્મિક આશ્રમોના સંતો-મહંતો, પવિત્ર સંત જ્યોત તેમજ અતિથિ વિશેષ તરીકે રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, સામાજિક અગ્રણીઓ, મહાનુભાવો અને વાલ્મિકી સમાજના મોરબી, ભુજ, કચ્છ, જામનગર અને વાંકાનેર સહિતના વિવિધ જિલ્લાના અગ્રણીઓ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહીને પ્રેરણા પૂરી પાડશે.

આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સમૂહ લગ્ન એ સમયની માંગ છે અને આવા આયોજનોથી સમાજમાં દહેજના દૂષણને અટકાવી શકાય છે અને આર્થિક ઉન્નતિ તરફ આગળ વધી શકાય છે. સમિતિએ વાલ્મિકી સમાજના તમામ લોકોને આ મંગલમય અવસરે હાજરી આપવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments