મોરબી: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પશુધનની સુખાકારી અને સંવર્ધન માટે અમલમાં મૂકવામાં આવેલી “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” મોરબી જિલ્લાની ગૌશાળાઓ અને પાંજરાપોળો માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજના અંતર્ગત મુંબઈ પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી સંસ્થાઓને ગાય અને ભેંસ વર્ગના આશ્રિત પ્રાણીઓના પૌષ્ટિક આહાર તેમજ સારસંભાળ માટે સરકાર દ્વારા પ્રતિ પશુ દૈનિક રૂ. 30ની આર્થિક નિભાવ સહાય સીધી બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે.
આ યોજના હેઠળ મોરબી જિલ્લાની અંદાજે 85 જેટલી ગૌશાળા અને પાંજરાપોળ સંસ્થાઓને ઓક્ટોબર થી ડિસેમ્બર-2025 ના ત્રિમાસિક ગાળા માટે 23500 થી વધુ પશુઓના નિભાવ અર્થે રૂ. 6.5 કરોડથી વધુની માતબર સહાય રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરીને ચૂકવવામાં આવી છે.
આ સહાય પ્રક્રિયાને અત્યંત પારદર્શક બનાવવામાં આવી છે. જેમાં સંસ્થાઓ દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ તાલુકા સમિતિ દ્વારા પશુઓની સંખ્યાની ભૌતિક ચકાસણી કરવામાં આવે છે. ત્યારબાદ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ-ગાંધીનગર દ્વારા સહાયની રકમ સીધી સંસ્થાના ખાતામાં ડીબીટી (DBT) ના માધ્યમથી જમા કરાય છે.
મોરબી મહાનગરપાલિકાની સ્થાપના થયા બાદ શહેરી વિસ્તારમાં બિનવારસુ રખડતા પશુઓની સમસ્યાના કાયમી નિકાલ અને તેમના સુરક્ષિત આશ્રય માટે વહીવટી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આ યોજનાનો લાભ લેતી જિલ્લાની જુદી-જુદી ગૌશાળાઓમાં વર્ષ 2025-26 દરમિયાન 2100 થી વધુ બિનવારસુ ગૌવંશના પશુઓને સુરક્ષિત રીતે નિભાવ અર્થે મૂકવામાં આવ્યા છે.
પશુપાલન ક્ષેત્રે સ્વનિર્ભરતા લાવવાના હેતુથી, ગૌસેવા અને ગોચર વિકાસ બોર્ડ-ગાંધીનગરની વિવિધ સહાયકારી યોજનાઓનો ચાલુ વર્ષે લાભ લેવા માટે સરકારે હાલ 30/06/2026 સુધી આઈ-ખેડૂત 2.0 પોર્ટલ ઓનલાઈન અરજીઓ સ્વીકારવા માટે ખુલ્લું મૂક્યું છે. મોરબી પશુપાલન વિભાગ દ્વારા જણાવાયું છે કે, જિલ્લાની તમામ પાત્રતા ધરાવતી રજિસ્ટર્ડ ગૌશાળાઓ અને પાંજરાપોળો નિયત સમયમર્યાદામાં ઓનલાઈન ફોર્મ ભરીને સરકારની આ યોજનાનો લાભ લઈ શકશે.











