સરકારની શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના થકી મોરબીના આનંદભાઈના વ્યવસાયને મળ્યું પીઠબળ; વાર્ષિક ટર્નઓવર રૂ. ૮ લાખે પહોંચ્યું
રાજ્યના નાના ધંધાર્થીઓ, કુશળ કારીગરો અને શ્રમિકો આર્થિક રીતે સક્ષમ બની સ્વરોજગારી તરફ આગળ વધે તેવા ઉમદા આશય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ કલ્યાણકારી યોજનાઓ પૈકીની ‘શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના’ મોરબી જિલ્લાના અનેક નાના વેપારીઓ માટે આર્થિક ઉન્નતિ બની રહી છે. આ યોજના થકી મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા પ્રગતિશીલ યુવાન આનંદભાઈ દિનેશચંદ્ર દલીચાએ સરકારી સહાય થકી પોતાના વ્યવસાયને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યો છે.
“કારીગરોને આર્થિક પગભર બનાવવા સરકારનો દિલથી આભાર”- લાભાર્થી આનંદભાઈ
પોતાની સફળતાનો હર્ષ વ્યક્ત કરતા આનંદભાઈ જણાવે છે કે, “મારા જેવા નાના ધંધાર્થીઓ માટે શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના સાચા અર્થમાં આશીર્વાદરૂપ બની છે. સરકાર દ્વારા મળેલી લોન અને સબસિડીના કારણે આજે હું સન્માનભેર આજીવિકા કમાઈ રહ્યો છું અને મારો પરિવાર સુખી થયો છે. કારીગરોને આર્થિક પગભર બનાવવા બદલ હું રાજ્ય સરકાર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો દિલથી આભાર માનું છું.”
આનંદભાઈ મોરબી ખાતે પરંપરાગત રીતે નાના પાયે ઉલિયા બનાવવાનો ધંધો કરતા હતા. આ કળામાં તેઓ નિપુણ હોવા છતાં મર્યાદિત મૂડીના કારણે તેઓ વ્યવસાયના વિકાસ માટે પૂરતો કાચો માલ સામાન ખરીદી શકતા ન હતા. ધંધામાં આવક ઓછી હોવાને લીધે પરિવારનું ગુજરાન ચલાવવું પણ તેમના માટે અતિ મુશ્કેલ બની ગયું હતું.
આવા સમયે આનંદભાઈને ઓનલાઈન માધ્યમથી સરકારશ્રીની ‘શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના’ વિશે પ્રાથમિક માહિતી મળી. માહિતી મળતા જ તેમણે ત્વરિત મોરબી સ્થિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC) ની રૂબરૂ મુલાકાત લીધી. જ્યાં તેમને યોજનાના લાભો અને સબસિડીના ધોરણો વિશે ખૂબ જ વિગતવાર અને સકારાત્મક માર્ગદર્શન મળ્યું. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા તેમની લોન અરજી તૈયાર કરાવીને નિયત સમયમાં બેંકને ભલામણ પત્ર મોકલી આપવામાં આવી.
રૂ. ૮ લાખના ટર્નઓવર સાથે આત્મનિર્ભરતા તરફ પ્રયાણ:
સરકારી વિભાગની સક્રિયતાના કારણે બેંક દ્વારા આનંદભાઈની લોન મંજૂર કરવામાં આવી અને લોન રકમ પર નિયત સબસિડીની સહાય પણ સીધી જમા થઈ. આ લોનની આર્થિક મદદ મળતા જ આનંદભાઈએ ઉલિયા બનાવટ માટે મોટા પ્રમાણમાં ગુણવત્તાસભર કાચા માલની ખરીદી કરી અને ધંધાનું સુચારુ આયોજન કર્યું. આ યોજનાના કારણે આજે આનંદભાઈનો ધંધો ખૂબ વેગવંતો બન્યો છે અને તેમનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૮ લાખ સુધી પહોંચી ગયું છે.
શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના:
શહેરી અને ગ્રામ્ય વિસ્તારના નાના ઉદ્યોગ, સેવા કે વ્યાપાર ક્ષેત્રના સ્વરોજગાર માટે મેળવેલ બેંક લોન પર સરકારશ્રી તરફથી આકર્ષક નાણાકીય સબસિડી (સહાય) મળવાપાત્ર થાય છે.
ઉમેદવાર ૧૮ થી ૬૫ વર્ષની વયમર્યાદા ધરાવતો હોવો જોઈએ અને ઓછામાં ઓછું ધોરણ-૪ પાસ અથવા વ્યવસાયને અનુરૂપ પરંપરાગત અનુભવ/તાલીમ હોવી અનિવાર્ય છે.
આ યોજનાનો લાભ લેવા માટે ઈચ્છુક અરજદારોએ સરકારશ્રીના અધિકૃત ઓનલાઈન પોર્ટલ www.blp.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
લાભ લેવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો, આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ફોટો, શૈક્ષણિક લાયકાત/માર્કશીટ,સક્ષમ અધિકારીનું જાતિનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો), ધંધાના સ્થળનો આધાર (લાઈટ બિલ/ભાડાકરાર/વેરા પહોંચ), ખરીદવાના થતા સાધનોના જી.એસ.ટી. (GST) નંબરવાળા અધિકૃત ભાવપત્રકો (ક્વોટેશન), તાલીમ કે અનુભવનું પ્રમાણપત્ર, દિવ્યાંગતા અંગે સિવિલ સર્જન/સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર (દિવ્યાંગના કિસ્સામાં) સહિતના ડોક્યુમેન્ટ જરૂરી છે.
મોરબીના આનંદભાઈ દલીચાની આ સફળતા દર્શાવે છે કે જ્યારે પરંપરાગત હુન્નરને સરકારની પ્રોત્સાહક આર્થિક નીતિઓનું પીઠબળ મળે, ત્યારે સામાન્ય કારીગર પણ આત્મનિર્ભરતાના શિખરો સર કરી શકે છે. ‘શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના’ માત્ર એક લોન સહાય નથી, પરંતુ રાજ્યના હજારો નાના ધંધાર્થીઓના સપનાઓને વાસ્તવિકતામાં બદલતું અને તેમના પરિવારોમાં આર્થિક સમૃદ્ધિ લાવતું એક સબળ માધ્યમ સાબિત થઈ રહી છે.












