- મંત્રીશ્રી કાન્તીભાઇ અમૃતિયા અને મહાનગરપાલિકાના પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન
- પર્યાવરણ જતન અને લોકકલ્યાણના સંકલ્પ સાથે મોરબીને વધુ હરિયાળું અને પ્રગતિશીલ બનાવવાની નેમ
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સરકારના નેતૃત્વમાં અવિરત ૧૨ વર્ષના ‘વિકાસ, વિશ્વાસ અને જન કલ્યાણ’ના સફળ અભિયાન અંતર્ગત આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ તેમજ છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચાડવાના આશયથી જનકલ્યાણ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ ગરિમામય કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે માનનીય મંત્રીશ્રી કાન્તીભાઇ અમૃતિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની અધ્યક્ષતા મોરબી મહાનગરપાલિકાના પદાધિકારીઓ સર્વે મેયર શ્રી ઉત્તમભાઇ સુરાણી, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઇ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયંતીભાઇ પંડસુંબીયા, દંડક શ્રી જયેશભાઇ દેસાઇ તથા શાસક પક્ષના નેતા અર્પિતાબા જાડેજાએ કરી હતી. આ ઉપરાંત વિવિધ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મંત્રીશ્રી કાન્તીભાઇ અમૃતિયાએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સેવા અને સુશાસનના ૧૨ વર્ષ દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. આ વિકાસયાત્રાને આગળ ધપાવતા આજે મોરબીમાં જનકલ્યાણ શિબિર દ્વારા લોકોને ઘરઆંગણે સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે, તેમજ પ્રકૃતિના સંતુલન માટે વૃક્ષારોપણ કરીને ગ્રીન મોરબીનો સંકલ્પ લેવાયો છે.”
મેયર શ્રી ઉત્તમભાઇ સુરાણી અને અન્ય પદાધિકારીઓએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકા શહેરના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મહાનગરપાલિકા વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ બચાવવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ સાથે જનકલ્યાણ શિબિરમાં અનેક નાગરિકોએ સરકારી યોજનાઓનો સીધો લાભ મેળવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મહાનગરપાલિકાના અધિકારીઓ અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી.












