મોરબી: વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર- શક્ત શનાળાની મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે સાહેબએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે શાળાની વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ રમતગમત પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.
કલેક્ટરશ્રીએ સૌપ્રથમ વિદ્યાભારતીના કાર્ય અને તેના શૈક્ષણિક અભિગમ અંગે પરિચય મેળવ્યો હતો. ત્યારબાદ શાળામાં અમલમાં રહેલા સમગ્ર વિકાસ અભ્યાસક્રમની જાણકારી મેળવી હતી. તેમણે વિદ્યાર્થીઓ સાથે આત્મીય વાતચીત કરી તેમની શૈક્ષણિક તથા સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ ટેબલ ટેનિસ, વોલીબોલ સહિતની રમતગમતની સુવિધાઓ, રમતનું મેદાન, સંગીત વિભાગ તેમજ પ્રાર્થના હોલની મુલાકાત લીધી હતી. ઉપરાંત વિદ્યાલય દ્વારા સમગ્ર વિકાસને કેન્દ્રમાં રાખીને પ્રકાશિત કરવામાં આવેલા વિવિધ પુસ્તકોનું પણ અવલોકન કર્યું હતું. શાળાની સુવ્યવસ્થિત કામગીરી, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના પ્રયાસો અને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણથી પ્રભાવિત થયેલા કલેક્ટરશ્રીએ વિદ્યાલયના કાર્યને બિરદાવ્યું હતું.












