ફાયર સેફ્ટી NOC ન ધરાવતા બિલ્ડીંગોને નોટિસ ફટકારાઈ, અગાઉની નોટિસના પગલે 198 કોમ્પ્લેક્ષ અને 38 સમાજવાડીમાં ફાયર સિસ્ટમ કાર્યરત કરાઈ
મોરબી : મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તારીખ 09/06/2026 થી 16/06/2026 દરમિયાન ફાયર સેફ્ટી અંગે જાગૃતિ અને અમલીકરણની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત મોરબીની 2 હોસ્પિટલના 17 સ્ટાફ મેમ્બર્સ અને 1 પેટ્રોલ પંપના 8 કર્મચારીઓને ફાયર પ્રિવેન્શનની ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હતી.
વધુમાં, ફાયર પ્રિવેન્શનની કામગીરીના ભાગરૂપે મોરબી શહેરની સમાજવાડીઓ, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડીંગોના ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગ માલિકોને નોટિસ ફટકારવામાં આવી હતી અને પ્રિવેન્શનને લગતી જરૂરી ગાઈડલાઈન અંગે સૂચનો આપવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા અગાઉ અપાયેલી નોટિસના પગલે હાલમાં 198 કોમ્પ્લેક્ષ અને 38 સમાજવાડીમાં ફાયર સિસ્ટમ લગાવવાની અને કાર્યરત કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આ સમયગાળામાં ફાયર સેફ્ટી અપ્રુવલ માટે આવેલી 8 અરજીઓને 24 એફ.ઓ. કચેરી ખાતે ફોરવર્ડ કરવામાં આવી છે.
ફાયર વિભાગની આ તાલીમ અને ચેકિંગનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબીના નાગરિકોને ફાયર સેફ્ટી વિશે માહિતગાર કરવાનો, ઇમરજન્સીમાં ફાયરના સાધનોના યોગ્ય ઉપયોગની સમજ આપવાનો અને કોઈ મોટી આપદા કે જાનહાનિ નિવારી જાન-માલ બચાવવાનો છે. આ દિવસો દરમિયાન ફાયર વિભાગને 2 રેસ્ક્યુ કોલ અને 7 અલગ-અલગ જગ્યાએ આગ લાગવાના કોલ મળ્યા હતા, જેમાં ફાયરના જવાનોએ ફુલ PPE કીટ પહેરીને અને આધુનિક સાધનો સાથે ફાયર ફાઈટીંગની કામગીરી પાર પાડી હતી.
ચીફ ફાયર ઓફિસર દ્વારા મોરબીની જનતાને અપીલ કરવામાં આવી છે કે આવી કોઈપણ દુર્ઘટના કે ઇમરજન્સી સમયે તાત્કાલિક મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસના સંપર્ક નંબર (02822) 230050, 101 અથવા 112 પર સંપર્ક કરવો.











