એક શખ્સની ધરપકડ : અન્ય બે શખ્સોના નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઈ
મોરબી : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે નીરણ અને સુકા ઘાસની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતી એક છકડો રિક્ષા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. સાથે પોલીસે રૂ.2.13 લાખની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. ઉપરાંત અન્ય બે શખ્સોના નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ડી.વી. ખાંભલા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિર્તીસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ અક્ષયરાજસિંહ પરમારને સંયુક્તમાં ખાનગી બાતમી મળી હતી કે, એક છકડો રિક્ષામાં સુકા ઘાસની આડમાં વિદેશી દારૂ ભરીને વાંકાનેરથી મીતાણા તરફ જવામાં આવી રહ્યો છે. આ ચોક્કસ હકીકતના આધારે પોલીસે અરણીટીંબા ગામના બોર્ડ પાસે રોડ પર વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમીવાળી છકડો રિક્ષા નીકળતા પોલીસે તેને રોકીને તલાશી લીધી હતી, જેમાં રિક્ષામાં સુકા ઘાસની નીચે છુપાવેલી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 287 બોટલો મળી આવી હતી.
પોલીસે આ કાર્યવાહીમાં 2,13,718 રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 287 બોટલો, 50000 રૂપિયાની કિંમતની રજીસ્ટ્રેશન નંબર વગરની છકડો રિક્ષા (જેનો એન્જિન નંબર RCA7924H9 છે) અને 10000 રૂપિયાની કિંમતનો સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળીને કુલ 2,73,718 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થળ પરથી પોલીસે મૂળ અમદાવાદના ધોળકા તાલુકાના વીરપુર ગામના અને હાલ બોટાદના પાળીયાદ દરબારગઢ પાસે રહેતા 20 વર્ષીય રાજપાલસિંહ ઘનશ્યામસિંહ વાઘેલાની ધરપકડ કરી છે.
પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો બોટાદના તરઘરાના અજયભાઈ ખાચરે આપ્યો હતો અને તે વીરવાવના અજયસિંહ હામુભા જાડેજાને પહોંચાડવાનો હતો. આથી પોલીસે આ બંને શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ સફળ કામગીરીમાં વાંકાનેર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ડી.વી. ખાંભલા તથા વાંકાનેર તાલુકા પોલીસના એએસઆઈ ગોપાલભાઈ કાલરીયા, હેડ કોન્સ્ટેબલ કિર્તીસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ અક્ષયરાજસિંહ પરમાર, ભરતભાઈ બોસીયા અને ક્રિપાલસિંહ ખીમાણીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.











