રૂ.1,22,500 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો
મોરબી : વાંકાનેર તાલુકા પોલીસની ટીમે વીડી જાંબુડીયા ગામના રોડ પરથી માદક પદાર્થ ગાંજાના 1.95 કિલો જેટલા મોટા જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.1,22,500 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન હળવદ તાલુકાના ચરાડવા ગામનો વતની દેવરાજભાઇ મનજીભાઇ ચૌહાણ હિરો સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ (રજિસ્ટ્રેશન નંબર GJ-36 AN 1746) પર ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો વેચાણ કરવાના ઈરાદે લઈને નીકળ્યો હોવાનું માલૂમ પડતા પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી 1 કિલો અને 950 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે, જેની કિંમત રૂ. 97,500 થાય છે. આ સાથે રૂ. 25,000 ની કિંમતની મોટરસાયકલ મળીને કુલ રૂ. 1,22,500 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસે પકડાયેલા આરોપી દેવરાજભાઇ મનજીભાઇ ચૌહાણ વિરૂદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(C) અને 20(B) મુજબ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલ તથા વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવી હતી.











