મોરબી : પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ દ્વારા પ્રોહિબિશન અને જુગાર સંબંધિત પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને મોરબી જિલ્લા પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ અધિક્ષક મોરબી તથા નાયબ પોલીસ અધિક્ષક, મોરબી વિભાગના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં મોરબી તાલુકાના વાંકડા ગામની સીમ વિસ્તારમાંથી દેશીદારૂનો જથ્થો ભરેલી મહેન્દ્રા TUV-300 કાર ઝડપી પાડવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, સંદેફ રંગની નંબર પ્લેટ વગરની મહેન્દ્રા TUV-300 કારમાં ગેરકાયદેસર રીતે પાસ-પરમિટ વિના કેફી પીણું ભરીને માળિયા (મી.) તરફથી મોરબી તરફ લાવવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે વાંકડા ગામની સીમમાં કાચા રસ્તા પર વોચ ગોઠવી તપાસ હાથ ધરતાં પોલીસને શંકાસ્પદ કાર મળી આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી અંદાજે 800 લીટર દેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે કાર સહિત કુલ રૂ. 5,60,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમાં રૂ. 1,60,000 કિંમતનો 800 લીટર દેશીદારૂ તથા રૂ. 4,00,000 કિંમતની મહેન્દ્રા TUV-300 કારનો સમાવેશ થાય છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીની શોધખોળ સહિતની કાર્યવાહી ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયા તથા મોરબી તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.











