150 વિધાર્થીનીઓ માટેની ટ્રાન્સપોર્ટ સુવિધાને લીલી ઝંડી અપાઈ: દાતાઓ અને તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાયું બહુમાન
મોરબી : કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગતમોરબીની માધાપરવાડી કુમાર, કન્યા અને માધ્યમિક શાળામાં પ્રગતિના પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2002/03 થી શરૂ થયેલી આ પરંપરાના 26માં વર્ષે યોજાયેલા આ મનમોહક કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
90 બાળકોનો બાલવાટીકામાં પ્રવેશ અને દાતાઓનું સન્માન
આ પ્રવેશોત્સવ અંતર્ગત શાળામાં 90 જેટલા બાળકોને બાલવાટીકા અને આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળાના વિકાસમાં આર્થિક યોગદાન આપનાર દાતાઓ નીતાબેન પટેલ, મણિલાલ સરડવા અને કેશુભાઈ હડિયલ (વિનાયક ઇન્ડસ્ટ્રીઝ) નું સાલ ઓઢાડીને અદકેરું બહુમાન કરાયું હતું.
ડીજેપી કન્યા વિદ્યાલયના નિવૃત્ત શિક્ષિકા નીતાબેન પટેલ તેમજ શિક્ષક સંગઠનના પૂર્વ પ્રમુખ અને દાદાશ્રીનગરના નિવૃત્ત આચાર્ય તરફથી બંને શાળાને રામ હાટ માટે 5100 અને 5100 રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું. જ્યારે વિનાયક ઇન્ડસ્ટ્રીઝવાળા કેશુભાઈ હડિયલ તરફથી બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી.
150 વિધાર્થીનીઓ માટે વાહન સુવિધા શરૂ કરાઈ
સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત 3 કિલોમીટર દૂરથી આવતી 150 વિદ્યાર્થીનીઓને ઘરેથી શાળા સુધી લાવવા-લઈ જવા માટે ખાસ ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપવામાં આવી છે. આ ટ્રાન્સપોર્ટ વાહનને મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ, મામલતદાર પ્રશાંત ગઢવી અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદીના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
તેજસ્વી તારલાઓનું કરાયું બહુમાન
કાર્યક્રમ દરમિયાન શાળાનું ગૌરવ વધારનાર વિધાર્થીઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું:
ધોરણ બાલવાટીકા થી 8 માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ.
વર્ષ દરમિયાન શાળામાં 100% હાજરી ધરાવનાર વિધાર્થીઓ.
જ્ઞાન સાધના, જ્ઞાનસેતુ, જવાહર નવોદય વિધાલય તેમજ NMMS જેવી પરીક્ષાઓમાં પ્રથમ 3 ક્રમ મેળવી ઉચ્ચત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિધાર્થીઓ.
આ તમામ તારલાઓને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે પુષ્ટિ ભટ્ટ અને મીરા પરમારે પોતાની આગવી શૈલીમાં અમૃત વચન રજૂ કર્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો
આ પ્રસંગને દિપાવવા માટે મુકેશ પટેલ (જિલ્લા પોલીસ વડા – મોરબી), જલ્પાબેન ત્રિવેદી (જિલ્લા મહિલા અને બાળ અધિકારી – મોરબી),પ્રશાંત ગઢવી(મામલતદાર – મોરબી શહેર),સ્થાનિક કોર્પોરેટરો, ગણેશભાઈ ડાભી,ભાવેશભાઈ કંઝારીયા,, સોનલબેન પ્રફુલ્લભાઈ બાવરવા, અલ્પાબેન રોહિતભાઈ કંઝારીયા તેમજ મનસુખભાઈ (પ્રમુખ – સતવારા સમાજ વાડી), અભિજીતસિંહ રાણા (આઇસીડીએસ સુપરવાઈઝર એમ.આઈ.એસ. કો-ઓર્ડિનેટર) સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ત્રણેય આચાર્યો દિનેશભાઈ વડસોલા, તુષારભાઈ બોપલીયા, આશિષભાઈ ચાપાણી તેમજ તમામ શિક્ષક ભાઈઓ-બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.












