મોરબીના અવની રોડ પર આવેલ મેઘાણીવાડી પ્રાથમિક શાળામાં આજે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર-9ના કોર્પોરેટરોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે વોર્ડ નંબર-9ના કોર્પોરેટર ભગવતીબેન મુકેશભાઈ કુંડારિયા, નૂતનબેન હસમુખભાઈ વિડજા, નવનીતભાઈ ભુદરભાઈ કુંડારિયા તથા હિરેનભાઈ પરબતભાઈ કરોતરા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. શાળા પ્રવેશોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓને શૈક્ષણિક બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંદેશ સાથે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોર્પોરેટરો, શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણે વૃક્ષારોપણ કરી વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરી હતી. કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો અને શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.











