મોરબી: મોરબી જિલ્લા વહીવટી તંત્રને વધુ સુદ્રઢ, પારદર્શક અને લોકાભિમુખ બનાવવાના આશય સાથે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી સેવાઓ, વહીવટી સુધારણા અને સરકારી યોજનાઓના સુચારુ અમલીકરણ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
આ અંગે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને તમામ વિભાગોના પ્રી- મોન્સૂન કાર્યો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આર એન્ડ બી વિભાગ અંગે બેઠકમાં મહત્વની ચર્ચા કરવામાં આવી છે. ધારાસભ્યના કોઈ પ્રશ્ન હતા નહીં. સંભવિત વરસાદના આંકડાઓ તૈયાર કરીને જિલ્લાના તમામ ડેમ પર મોનિટરિંગ કરવા માટે કલેક્ટર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીના વિતરણની વ્યવસ્થા અને માર્ગ-મકાન વિભાગ હેઠળના રસ્તાના પ્રશ્નો અંગે પણ હકારાત્મક ચર્ચા થઈ છે.
બેઠક દરમિયાન કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ‘સ્વાગત ઓનલાઇન પોર્ટલ’ પર પડતર રહેલી અરજીઓ, જન્મ તારીખના દાખલા આપવામાં થતો વિલંબ અને પેન્ડિંગ પ્રશ્નોનો અગ્રતાના ધોરણે નિકાલ કરવા નિર્દેશ આપ્યા હતા. વહીવટી પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે તમામ કચેરીઓને ‘ઇ-સરકાર’ પ્રણાલીનો મહત્તમ ઉપયોગ કરવા તાકીદ કરવામાં આવી છે. નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસની કામગીરી સત્વરે પૂર્ણ કરવા અને કચેરીઓમાં આવતી તમામ અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા કડક સૂચના અપાઈ છે.
આ બેઠકમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી સહિતના વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા












