પ્રદેશ મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઇ દવેના હસ્તે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પુસ્તક લોન્ચ કરાયું
પુસ્તકમાં જનસંઘથી લઈ ભાજપની વિચારધારા, પંચનિષ્ઠા અને રાષ્ટ્રચેતનાની ગૌરવશાળી સફરનું અદભુત આલેખન મોરબી, ૧ જુલાઈ ૨૦૨૬: મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠન માળખામાં આજે એક ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણનો ઉમેરો થયો છે. મોરબી જિલ્લા ભાજપના યશસ્વી અધ્યક્ષ શ્રી જયંતીભાઈ રાજકોટીયા દ્વારા લિખિત ‘પાથેય’ નામના પ્રેરણાદાયી પુસ્તકનું ભવ્ય વિમોચન ગુજરાત પ્રદેશ ભાજપના માનનીય મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઇ દવેના વરદ હસ્તે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે ગરિમાપૂર્ણ માહોલમાં કરવામાં આવ્યું હતું. પુસ્તક ‘પાથેય’ વિશે વિશેષ માહિતી: શ્રી જયંતીભાઈ રાજકોટીયા દ્વારા લિખિત આ પુસ્તક માત્ર એક દસ્તાવેજ નથી, પરંતુ ભાજપના કાર્યકર્તાઓ માટે વૈચારિક ભાથું (પાથેય) પૂરું પાડે છે. આ પુસ્તકમાં નીચે મુજબના મહત્વપૂર્ણ વિષયો પર ખૂબ જ ઊંડાણપૂર્વક અને રસપ્રદ માહિતી પ્રદાન કરવામાં આવી છે:
પાયાનો ઇતિહાસ: જનસંઘની સ્થાપનાથી લઈને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના સુધીની સંઘર્ષગાથા.
પંચનિષ્ઠા: ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના મૂળ સમાન ‘પંચનિષ્ઠા’ની વિસ્તૃત સમજ.
મહાનુભાવોનું પ્રદાન: ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, શ્રી અટલ બિહારી વાજપેયી અને શ્રી લાલકૃષ્ણ અડવાણી જેવા પક્ષના પથદર્શકોના જીવન અને કાર્યોનું આલેખન.
આધુનિક ભારત અને રાષ્ટ્રચેતના: દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં જાગ્રત થયેલી રાષ્ટ્રચેતના અને વિકાસયાત્રાની ગૌરવશાળી વિગતો. સમારોહની ઝાંખી: પુસ્તક વિમોચન પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઇ દવેએ લેખક અને જિલ્લા અધ્યક્ષ શ્રી જયંતીભાઈ રાજકોટીયાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ પુસ્તક આગામી પેઢીના કાર્યકર્તાઓ માટે માર્ગદર્શિકા સાબિત થશે. પક્ષના પાયાના સિદ્ધાંતો અને રાષ્ટ્રવાદની ભાવનાને જન-જન સુધી પહોંચાડવામાં ‘પાથેય’ મોટું યોગદાન આપશે. આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપના હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પુસ્તકના સફળ પ્રકાશન બદલ શ્રી જયંતીભાઈ રાજકોટીયા ને શુભેચ્છાઓ પાઠવી હતી.