આરોગ્ય મંદિરોમાં સામુહિક સફાઈ ઝુંબેશ થકી નાગરિકોને વધુ સુદ્રઢ સુવિધાઓ આપવાનો મક્કમ નિર્ધાર; મહાનુભાવોએ નિહાળ્યું રાજ્યવ્યાપી કાર્યક્રમનું જીવંત પ્રસારણ
રાજ્યભરના તમામ આરોગ્ય કેન્દ્રો-મંદિરો સ્વચ્છ અને સુવિધાજનક બને તેવા ઉમદા આશય સાથે મોરબી ખાતે ૭ દિવસીય ‘નમો સ્વચ્છતા અભિયાન’નો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. સામુહિક સ્વચ્છતા મહાઅભિયાન શુભારંભનો કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના મેયરશ્રી ઉત્તમ સુરાણી અને ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર સ્થિત GMERS મેડિકલ કોલેજ ખાતેથી આયોજિત ‘નમો સ્વચ્છતા અભિયાન’ના રાજ્યવ્યાપી લોન્ચિંગ કાર્યક્રમનું ઉપસ્થિત તમામ મહાનુભાવો, તબીબો અને નાગરિકોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય હેતુ હોસ્પિટલ્સ અને આરોગ્ય મંદિરોમાં વ્યાપક સફાઈ સુનિશ્ચિત કરી દર્દીઓ તેમજ સામાન્ય જનતાને વધુ સારી, આરોગ્યપ્રદ અને ગુણવત્તાયુક્ત સુવિધાઓ પૂરી પાડવાનો છે.
કાર્યક્રમના પ્રારંભમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પી.વી. શ્રીવાસ્તવે પ્રાસંગિક સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા.
આ અવસરે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી વિપુલભાઈ ગરચર, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયરશ્રી ચિરાગભાઈ રાણપરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદ્યાસાગર, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી મનીષ કાંજીયા, મેડિકલ કોલેજના ડીનશ્રી ડો.નીરજ વિશ્વાસ તેમજ મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. પી.કે. દુધરેજીયા, સ્થાનિક પદાધિકારીશ્રીઓ, આરોગ્ય અધિકારીશ્રીઓ અને હોસ્પિટલનો સ્ટાફ સહિત ઉપસ્થિત રહ્યા હતા.













