મોરબી ડેઈલી : પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મોરબી સર્વ હિન્દુ સંગઠન દ્વારા કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્યાતિભવ્ય જન્માષ્ટમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શોભાયાત્રાના રૂટ પર ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મોરબી મહાનગરપાલિકાના માર્કેટ સમિતિના ચેરમેન ભાવિનભાઈ ઘેલાણીના પ્રયત્નોથી સત્વરે RCC પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા અને મોરબી શહેર ભાજપ પ્રમુખ નૈમિષભાઈ પંડિતના માર્ગદર્શન હેઠળ આ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકાના માર્કેટ સમિતિ ચેરમેન ભાવિનભાઈ ઘેલાણીએ મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા સાથે સંકલન સાધીને જન્માષ્ટમી શોભાયાત્રાના રૂટ એટલે કે જડેશ્વર મહાદેવ મંદિરથી લઈને દરબારગઢ- નગર દરવાજા ચોક સુધીના વિસ્તારમાં રસ્તાનું સમારકામ શરૂ કરાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જન્માષ્ટમી શોભાયાત્રાના આયોજન માટે મળેલી મીટિંગ દરમિયાન ભાવિનભાઈ ઘેલાણી દ્વારા સર્વ હિન્દુ સંગઠનના આગેવાનોને રૂટના સમારકામ અંગે વચન આપવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના પદાધિકારીઓના હકારાત્મક અભિગમ થકી આ પેચવર્કની કામગીરી હાથ ધરીને પ્રરનનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે. મીટિંગમાં આપેલું વચન સત્વરે પૂરું કરી બતાવવા બદલ સંગઠનના હોદ્દેદારોમાં સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.













