જેતપર ખાતે ચાલી રહેલી બિનરાજકીય લડતમાં જોડાવા પક્ષના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું
મોરબી ડેઈલી : જેતપર ખાતે હાઈટેન્શન વીજલાઈનના મુદ્દે ખેડૂતો દ્વારા ચાલી રહેલી બિનરાજકીય લડતને સમર્થન આપતાં હળવદ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ જયેશ વાસુદેવભાઈ પટેલે પોતાના હોદ્દા ઉપરાંત પક્ષના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું છે. ખેડૂત આંદોલનમાં સક્રિય રીતે જોડાવા માટે રાજકીય ઓળખથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હોવાનું તેમણે જણાવ્યું છે.
જયેશ પટેલે રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે જેતપર ખાતે ખેડૂતોના હિત અને અધિકારો માટે બિનરાજકીય આંદોલન ચાલી રહ્યું છે. પોતે ખેડૂત પરિવાર સાથે સંકળાયેલા હોવાથી ખેડૂતોના હક અને ન્યાયની લડતમાં રાજકીય પદ કે પક્ષના બંધન વિના જોડાવું જરૂરી હોવાનું માની તેમણે આમ આદમી પાર્ટીના હોદ્દા સહિત પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે.
તેમણે આક્ષેપ કર્યો છે કે સરકારના સહયોગથી હાઈટેન્શન વીજકંપનીઓ દ્વારા ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. ખેડૂતોના ખેતરોમાંથી વીજલાઈન પસાર થવાના મુદ્દે ચાલી રહેલા આંદોલનમાં હવે તેઓ પક્ષની રાજકીય ઓળખથી અલગ રહીને જોડાશે. જયેશ પટેલે અન્ય રાજકીય પક્ષોના હોદ્દેદારોને પણ ખેડૂત આંદોલન સાથે જોડાવા જણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ, રાજકીય હોદ્દા, પૈસા અને સત્તા કરતાં ખેડૂતોના હક અને ન્યાયનો મુદ્દો વધુ મહત્વનો છે અને આ લડતમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓએ ખેડૂતોની સાથે ઊભા રહેવું જોઈએ.











